

*ડાંગ દરબાર-૨૦૨૬માં સ્ટોલ ભાડા અને લાઈટ બિલના નિયમોમાં સુધારા કરવાની વેપારીઓની માંગ*
રિપોર્ટ : ઝાકિર ઝંકાર :
આહવા, ૧૭
આગામી સમયમાં યોજાનાર ડાંગ દરબાર–૨૦૨૬ને લઈને આહવાના સ્થાનિક વેપારીઓએ સ્ટોલના ભાડાના દરો તથા લાઈટ બિલના નિયમોમાં સુધારો કરવાની માંગ ઉઠાવી છે. વેપારીઓનું કહેવું છે કે વર્તમાન ભાડા અને વીજળી સંબંધિત નિયમો નાના અને સ્થાનિક વેપારીઓ માટે આર્થિક રીતે બોજારૂપ બની રહ્યા છે.
વેપારીઓએ જણાવ્યું કે આહવા ગ્રામ પંચાયત દ્વારા તા. ૨૩/૦૧/૨૦૨૬ના રોજ મળેલી ગ્રામસભામાં ઠરાવ પસાર કરી સ્થાનિક વેપારીઓ માટે ₹૨,૦૦૦ અને બહારથી આવતા વેપારીઓ માટે ₹૩,૦૦૦ સ્ટોલ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. લોકશાહી પદ્ધતિથી લેવાયેલા આ ઠરાવનો અમલ ડાંગ દરબાર દરમિયાન પ્લોટ ફાળવણીમાં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
તેમજ લાઈટ બિલના નિયમોમાં વ્યાજબી સુધારો કરી વેપારીઓ પરનો આર્થિક ભાર ઓછો કરવા અને જેમને જરૂર ન હોય તેવા સ્થાનિક વેપારીઓને વીજ કનેક્શન લેવા માટે દબાણ ન કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
વેપારીઓનું માનવું છે કે ભાડાના દરો વ્યાજબી રહેશે તો ડાંગ જિલ્લાના સ્થાનિક આદિવાસી અને નાના વેપારીઓને રોજગારીનો સારો અવસર મળશે અને તેમની ભાગીદારી વધશે.
આ અંગે જવાબદાર સત્તાધિકારીઓ હકારાત્મક નિર્ણય લે અને કરવામાં આવતી કાર્યવાહી અંગે જાણ કરે તેવી માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે.