

*શ્રી ભરતભાઇ મણીલાલ પટેલ, અનાર્મ ASI (બ.નં.૪૪૫) થયા સેવાનિવૃત્ત:*
રિપોર્ટર:
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૧
રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લા પોલીસ બેડાના કર્મઠ કર્મયોગી શ્રી ભરતભાઇ મણીલાલ પટેલ, અનાર્મ ASI (બ.નં.૪૪૫) સેવાનિવૃત્ત થતા તેમને પોલીસ અધિક્ષક સુશ્રી પૂજા યાદવ સહિત પોલીસ પરિવારે ભાવભરી વિદાય આપી હતી.
તારીખ ૫મી ફેબ્રુઆરી ૧૯૮૭થી પોલીસ પરિવારમાં જોડાયેલા શ્રી પટેલે વલસાડ જિલ્લા ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે જોડાઈને તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ બાદ વલસાડમાંથી ડાંગ (પોલીસ વહિવટી જિલ્લો) અલગ થતા સને ૧૯૯૦ થી તેમણે ડાંગ જિલ્લાને કર્મભૂમિ બનાવી હતી. ત્યારથી લઈને આજદિન સુધી તેમણે પોલીસ વિભાગમાં કુલ ૩૯ વર્ષની સેવા બજાવી તા.૨૮ મી ફેબ્રુઆરીએ વય નિવૃત્ત થયા છે.
આ લાંબી સરકારી સેવાઓ દરમિયાન તેમણે વલસાડ પોલીસ હેડ ક્વાર્ટર, તથા નવસારી ટાઉન પોલીસ સ્ટેશન સહિત ડાંગ જિલ્લા મથકે આહવા પોલીસ સ્ટેશન, એલ.સી.બી., ચીચલી આઉટ પોસ્ટ, સુબીર આઉટ પોસ્ટ, વઘઈ પોલીસ સ્ટેશન ઉપરાંત પ્રતિનિયુક્તિથી નશાબંધી અને આબકારી ખાતું, અને પ્રતિનિયુક્તિથી સ્ટેટ આઇ.બી. ગાંધીનગર, ઉપરાંત છેલ્લા ૧૭ વર્ષોથી આહવા સેન્ટર ખાતે કાર્યભાર સંભાળ્યા બાદ, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી-ડાંગ (એમ.ઓ.બી.) ખાતેથી વય નિવૃત્ત થયા છે.
શ્રી ભરતભાઇ પટેલે તેમની ફરજ દરમિયાન પેરોલ જમ્પ કરનાર મર્ડરની ગુનાના સજા પામેલ આરોપીઓને પકડવા, ચોરીના ગુનાઓ શોધી મુદામાલ રીકવર કરવા, તથા ગાંજાના કેસોની અસરકારક કામગીરી બજાવવા સાથે, સને-૧૯૯૨-૯૩ તથા સને ૧૯૯૭-૯૮ માં ડાંગ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને વિપરિત અસર કરે તેવા બનાવો દરમ્યાન મહત્વની કામગીરી બજાવી છે. શ્રી પટેલને તેમના સેવાકાળ દરમિયાન ૨૬ જેટલા ઇનામ અકરામ સાથે આઇ.બી. ની ફરજ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાને અસર કરે તેવા પ્રશ્નો અંગેની સચોટ માહિતી પૂરી પાડવા બદલ કુલ ૮ જેટલા પ્રશંસાપત્રો મળવા પામ્યા છે.
–