

*’ગાડી બુલા રહી હે !’*
*વર્ષાઋતુમાં પ્રકૃતિના ખોળે લઈ જતી ઐતિહાસિક બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર, આહવા ડાંગ*
ડાંગ અને વાંસદાની હરિયાળી વનરાજીઓ વચ્ચેથી પસાર થતી ૧૧૩ વર્ષ જૂની ઐતિહાસિક બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન આજે પણ પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. વર્ષ ૧૯૧૩માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા શરૂ કરાયેલી આ ટ્રેન મૂળ ડાંગના ઇમારતી લાકડાના પરિવહન માટે શરૂ કરવામાં આવી હતી.
બીલીમોરાથી વઘઈ સુધીનું ૬૩ કિલોમીટરનું અંતર લગભગ ત્રણ કલાકમાં પૂર્ણ કરતી આ હેરિટેજ ટ્રેન ગણદેવી, અનાવલ, ઉનાઈ, કેવડી રોડ, કાળાઆંબા અને ડુંગરડા જેવા મનોહર વિસ્તારોમાંથી પસાર થાય છે. માર્ગ દરમિયાન અંબિકા નદી ઉપરનો ઐતિહાસિક પુલ અને વનપ્રદેશના નયનરમ્ય દૃશ્યો પ્રવાસીઓને અનોખો અનુભવ કરાવે છે.
કોરોના કાળ દરમિયાન બંધ રહેલી આ ટ્રેન સપ્ટેમ્બર ૨૦૨૧થી ફરી શરૂ થઈ હતી. હાલમાં ટ્રેનમાં વિશેષ એ.સી. કોચની સુવિધા પણ ઉપલબ્ધ છે, જ્યાંથી કાચની મોટી બારીઓ મારફતે પ્રકૃતિના અદભૂત નજારાનો આનંદ માણી શકાય છે.
ચોમાસામાં ડાંગ અને વાંસદાની વનરાજી સોળે કળાએ ખીલી ઊઠે છે ત્યારે પ્રકૃતિની નજીક જવાનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહેતી આ ટ્રેન જાણે દરેકને આમંત્રણ આપી રહી હોય — “ગાડી બુલા રહી હે !”