

*ડાંગના આદિવાસી વિદ્યાર્થીઓની ગૌરવપૂર્ણ સિદ્ધિ: ૧૦ વિદ્યાર્થીઓએ MBBSમાં અને ૩ વિદ્યાર્થીઓએ SVNITમાં મેળવ્યો પ્રવેશ*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , આહવા ડાંગ*
ડાંગ જિલ્લાના માલેગામ ખાતે કાર્યરત ‘સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર’ (પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત) ના વિદ્યાર્થીઓએ શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ગ્રામ્ય કક્ષાની આ શાળાના ૧૦ વિદ્યાર્થીઓએ MBBSમાં અને ૩ વિદ્યાર્થીઓએ SVNIT (સુરત) માં પ્રવેશ મેળવી ડાંગ જિલ્લા અને આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે.
આ ગૌરવપૂર્ણ સફળતા મેળવનાર વિદ્યાર્થીઓએ તા. ૧૧ ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે રાજ્યના મહાનુભાવોની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વિદ્યાર્થીઓ સાથે આત્મીય મુલાકાત કરી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ડાંગના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લઈ લોકશાહી વ્યવસ્થાની કામગીરી નિહાળી હતી.
વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સહિતના મંત્રીશ્રીઓએ વિદ્યાર્થીઓને ખેસ પહેરાવી સન્માનિત કર્યા હતા.
સંસ્થાના પ્રેરક પી.પી. સ્વામીજીના માર્ગદર્શન હેઠળ આદિવાસી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ગુણવત્તાસભર શિક્ષણ આપવાનો આ સેવા યજ્ઞ ડાંગના વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ સાબિત થયો છે.