

મોડાસામાં રખડતા ઢોરનો કહેર? છેલ્લા ૫થી ૭ દિવસમાં અનેક લોકો ઈજાગ્રસ્ત હોવાના આક્ષેપ, તંત્ર સામે સવાલો
રિપોર્ટર સાકીર ટીટોઇયા મોડાસા, અરવલ્લી:
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં છેલ્લા ૫થી ૭ દિવસથી રખડતા ઢોરનો ત્રાસ વધ્યો હોવાની ફરિયાદો સામે આવી રહી છે. શહેરના મુખ્ય માર્ગો, બજારો અને સોસાયટી વિસ્તારોમાં નધણિયાતી ગાયો અને આખલાઓના કારણે નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, રખડતા ઢોરના કારણે બાળકો, વડીલો અને રાહદારીઓને ઈજાઓ પહોંચી હોવાના બનાવો સામે આવ્યા છે. કેટલાક કિસ્સાઓમાં લોકોના હાથ-પગમાં ઈજા થવા ઉપરાંત એક માસૂમ બાળકને ચહેરા અને આંખના આસપાસ ઈજા થઈ હોવાના ફોટા પણ સામે આવ્યા છે.
શહેરના રસ્તાઓ પર ઢોર બેસી રહેતા કે અચાનક રસ્તા પર દોડી આવતા વાહનચાલકો માટે પણ જોખમ ઊભું થતું હોવાની ફરિયાદ છે. ખાસ કરીને રાત્રિના સમયે રસ્તા પર દેખાતા ન હોય તેવા ઢોર અકસ્માતનું કારણ બની શકે છે?
હાઈકોર્ટના રખડતા ઢોર અંગેના આદેશો બાદ પણ મોડાસા નગરપાલિકા દ્વારા પૂરતી અને અસરકારક કામગીરી થઈ રહી છે કે કેમ? ઢોર પકડવાની કામગીરી નિયમિત રીતે થાય છે કે માત્ર કાગળ પર જ? તેવા સવાલો હવે શહેરીજનોમાં ઉઠી રહ્યા છે.
સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા તંત્ર તાત્કાલિક રખડતા ઢોરને પકડી યોગ્ય સ્થળે ખસેડે અને પશુઓને રસ્તા પર છોડી દેતા જવાબદાર પશુપાલકો સામે નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી કરે.
શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે?
શું મોડાસાને રખડતા ઢોરના આતંકથી કાયમી રાહત મળશે?
નાગરિકોની સુરક્ષા માટે નગરપાલિકા હવે કડક પગલાં ભરશે?