રાજકોટ તા.27 શેરબજાર તથા સોના-ચાંદીમાં મંદીનો દોર સતત આગળ ધપતો રહ્યો હોય તેમ આજે વધુ ઘટાડો નોંધાયો હતો. સેન્સેકસ 236 પોઈન્ટ ગગડયો હતો. સોનુ હાજરમાં 2100 તથા ચાંદી 2800 રૂપિયા તૂટયા હતા.
શેરબજારમાં આજે માનસ મંદીનુ હતુ. અમેરિકા-ઈરાન વચ્ચેની હોર્મુઝ મડાગાંઠનો ખચકાટ ઉભો જ હતો. વિદેશી નાણાં સંસ્થાઓના અનિશ્ચિત ટ્રેન્ડનો પણ નેગેટીવ પ્રત્યાઘાત હતો.
આ સિવાય ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ખેતઉત્પાદક રાજયોમાં વરસાદ ખેંચાતા કૃષિ પાક પર વધતા જોખમથી માનસ વધુ નબળુ પડયું હતું. આ સિવાય વદતી મોંઘવારીથી વ્યાજદર વધારાના જોખમની પણ ભીતિ વ્યક્ત થતી હતી.
શેરબજારમાં આજે ભેલ, સીજી પાવર, અંબર એન્ટરપ્રાઈઝ, અદાણી પાવર, આઈસીઆઈસીઆઈ બેંક, ગ્લેકસો, ઈમેજીકા, ટાટા કેપીટલમાં સુધારો હતો. મન્નાપુરમ, મુથુટ ફાઈનાન્સ, ટાટા પાવર, હિન્દાલ્કો, એચડીએફસી બેંક, ભારતી એરટેલ, રિલાયન્સ, વોડાફોન, ટાટા સ્ટીલ, રેલવિકાસ, આઈનોકસ વીન્ડો, દાવનગીરી સુગર, પતંજલી નબળા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સેકસ 236 પોઈન્ટના ઘટાડાથી 37236 હતો તે ઉંચામાં 77694 તથા નીચામાં 77088 હતો. નિફટી 54 પોઈન્ટ ઘટીને 24153 હતો તે ઉંચામાં 24297 તથા નીચામાં 24120 હતો.
સોના-ચાંદી વધુ તુટયા હતા. વિશ્વબજારમાં સોનુ 4595 ડોલર હતું. હાજર સોનુ 2100થી 164200 હતું. હાજર ચાંદી 2800ના ઘટાડાથી 248200 હતી.
જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે કોઈ મોટા સારા-નરસા કારણો ઉભા થતા ન હોવાના કારણોસર માનસ અનિશ્ચિત બની રહ્યું છે. એક તરફી ટ્રેન્ડ શરૂ થવા વિશે હજુ આશંકા છે.