

*આહવામાં ભવ્ય ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર. ડાંગ આહવા*
આહવા: રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત ડાંગના આહવા ખાતે રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ હતી. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીત તથા ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી કુલદીપસિંહ ઝાલા સહિતના મહાનુભાવોએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાથી શરૂ થયેલી યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકગાન, વૈદિક મંત્રોચ્ચાર અને સંસ્કૃત ગૌરવ સૂત્રો સાથે રેલીને શોભાવી હતી.
આ પ્રસંગે વિજયભાઈ પટેલે સંસ્કૃત ભાષાને ભારતીય જ્ઞાનપરંપરા અને સાંસ્કૃતિક વારસાની મહત્વપૂર્ણ કડી ગણાવી નવી પેઢીને સંસ્કૃત સાથે જોડાવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંસ્કૃત ભાષાપ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.