
*બોરીગાવઠા પેવર બ્લોક કામમાં ‘નિમ્ન કક્ષાના’ મટીરીયલનો ખેલ?*
*માટી યુક્ત નદીના ભાઠા જેવું મટીરીયલ વપરાયું હોવાના ભારે ભ્રષ્ટાચાર, ગુણવત્તા તપાસ સામે અનેક સવાલો,*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ વઘઈ.*
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા પંચાયત હેઠળની બોરીગાવઠા ગ્રુપ ગ્રામ પંચાયતના પટેલ ફળિયામાં ચાલી રહેલા પેવર બ્લોકના કામમાં ગુણવત્તાને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક સ્તરે મળતી માહિતી અને સ્થળ પર જોવા મળતી કામગીરીના આધારે પેવર બ્લોક નીચે માટી યુક્ત તથા હલકી કક્ષાના મટીરીયલનો મોટા પ્રમાણમાં ઉપયોગ થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
પેવર બ્લોકનું કામ લાંબા સમય સુધી ટકી રહે તે માટે યોગ્ય ગુણવત્તાનું બેઝ મટીરીયલ અને નિયમ મુજબની કામગીરી જરૂરી છે. પરંતુ અહીં નદીના ભાઠા જેવી માટી મિશ્રિત સામગ્રીનો ઉપયોગ થયો હોવાના આક્ષેપો સાચા હોય તો પ્રથમ વરસાદ બાદ જ કામગીરીની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઉભા થઈ શકે છે.
આ સમગ્ર મામલે વઘઈ તાલુકા પંચાયતના બાંધકામ ઈજનેર આશિષ ભોંયે, રંજનિશ પટેલ તથા તાલુકા વિકાસ અધિકારી રતિલાલ પટેલની દેખરેખ અને જવાબદારી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. આક્ષેપો મુજબ અધિકારીઓની દેખરેખ હેઠળ જો આવી કામગીરી થઈ હોય તો મટીરીયલની ગુણવત્તા, માપણી તથા બિલિંગ પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી બની છે.
શું પેવર બ્લોકના કામમાં વપરાયેલ મટીરીયલના સેમ્પલની લેબોરેટરી તપાસ કરવામાં આવી છે?
શું સ્થળ પર બેઝ મટીરીયલની ગુણવત્તા અને જાડાઈની ચકાસણી કરવામાં આવી છે?
અને જો તપાસ થઈ હોય તો તેનો રિપોર્ટ જાહેર કેમ કરવામાં આવતો નથી?
જાહેર નાણાંમાંથી થતા વિકાસના કામમાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારી અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી પેવર બ્લોકના મટીરીયલ, માપણીપોથી, વર્ક ઓર્ડર તથા બિલોની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
જો તપાસમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાનું સાબિત થાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર તથા દેખરેખ રાખનાર અધિકારીઓ સામે નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ. હાલના આક્ષેપો અંગે સંબંધિત અધિકારીઓનો ખુલાસો પણ મહત્વનો બની રહે છે.