Breaking News 🚨
SMIMER હોસ્પિટલમાં ગંભીર ન્યુરોલોજિકલ બીમારી સામે 13 વર્ષની બાળકીનો જંગ, સઘન સારવાર બાદ સ્વસ્થ થઈ ઘરે પરત ફરી
સુરત તાપી જિલ્લાના ઉમરવાડુધ ગામની 13 વર્ષીય બાળકી કૃશા ચૌધરી, જે ખેડૂત રાકેશ ચૌધરી અને કાપાબેન રાકેશભાઈની પુત્રી છે, તેણે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (SMIMER) હોસ્પિટલમાં સઘન સારવાર બાદ ગંભીર ન્યુરોલોજિકલ બીમારીને માત આપી છે અને હવે તે નોંધપાત્ર રીતે સ્વસ્થ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કૃશાને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ, મૂંઝવણ, દ્રષ્ટિમાં તકલીફ અને ચાલતી વખતે અસંતુલન જેવી ફરિયાદો હતી. તેની સારવાર માટે પરિવાર દ્વારા શરૂઆતમાં ઉનાઈ, વાંસદા અને નવસારીની હોસ્પિટલોમાં સંપર્ક કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને વધુ સારવાર માટે SMIMER હોસ્પિટલ, સુરત ખાતે રેફર કરવામાં આવી હતી.
તા. 20 સપ્ટેમ્બર, 2026ના રોજ કૃશાને SMIMER હોસ્પિટલની કેઝ્યુઅલ્ટી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. દાખલ સમયે તેની સ્થિતિ અત્યંત ગંભીર હતી. તપાસ દરમિયાન એક ચોંકાવનારી બાબત સામે આવી હતી કે, શ્વાસ લેવામાં ગંભીર તકલીફ હોવા છતાં તેની શ્વસનતંત્રની તપાસ સંપૂર્ણપણે સામાન્ય હતી અને છાતીનો X-ray પણ નોર્મલ હતો.
દર્દીની ગંભીર સ્થિતિને જોતા તબીબો દ્વારા તાત્કાલિક ધોરણે તેને ઇન્ટ્યુબેટ કરી વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી હતી. પ્રારંભિક લેબોરેટરી તપાસોના પરિણામો સ્પષ્ટ ન હોવાથી નિદાન કરવું પડકારજનક બન્યું હતું. ત્યારબાદ દર્દીની તબીબી સ્થિતિ અને લક્ષણોને આધારે નિષ્ણાત તબીબો દ્વારા એટિપિકલ ગિલેન-બારે સિન્ડ્રોમ (GBS), જેમાં મિલર ફિશર વેરિઅન્ટના લક્ષણોની સંભાવના હતી, એવું નિદાન વિચારવામાં આવ્યું હતું અને તે મુજબ પ્લાઝમાફેરેસિસની સારવાર શરૂ કરવામાં આવી હતી.
પ્લાઝમાફેરેસિસની સારવાર શરૂ કર્યા બાદ દર્દીની સ્થિતિમાં ધીમે ધીમે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. સારવારને સફળતાપૂર્વક પ્રતિસાદ આપતા તેને વેન્ટિલેટરમાંથી દૂર કરવામાં આવી હતી અને ત્યારબાદ ઓક્સિજન સપોર્ટ પણ ધીમે ધીમે ઘટાડવામાં આવ્યો હતો.
પ્લાઝમાફેરેસિસના ચાર સાયકલ પૂર્ણ કર્યા બાદ કૃશા હવે સંપૂર્ણપણે સભાન છે. તે હાલમાં સ્વતંત્ર રીતે ચાલી શકે છે, પોતે જમવાનું કરી શકે છે તથા પોતાની દૈનિક પ્રવૃત્તિઓ સ્વતંત્ર રીતે કરી શકવા સક્ષમ બની છે.
આ સમગ્ર સારવાર પીડિયાટ્રિક યુનિટ-3 હેઠળ કરવામાં આવી હતી. દર્દીની સારવારમાં સિનિયર RMO ડૉ. જયેશ પટેલના માર્ગદર્શન હેઠળ ડૉ. અજય સેઠી, ડૉ. નિરાલી મહેતા, ડૉ. રાધિકા પટેલ અને ડૉ. ફાલ્ગુની ચૌધરીની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત રેસિડેન્ટ ડૉક્ટરોની ટીમ તથા સિસ્ટર સ્ટાફ અને વોર્ડ બોય, આયા અને સફાઈ કામદાર સ્ટાફ દ્વારા સતત દેખરેખ અને કાળજી રાખવામાં આવી હતી.
તબીબોના જણાવ્યા અનુસાર, સમયસર નિદાન, સઘન સારવાર અને SMIMER હોસ્પિટલના તબીબો તથા સ્ટાફના અથાગ પ્રયાસોને કારણે બાળકીને નવું જીવન મળ્યું છે.
Bureau Chief : Sumit shukla