*ડાંગ સહિત સમગ્ર ગુજરાતમાં વનરક્ષકો અને વનપાલો દ્વારા આંદોલનની ચીમકી: પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આવેદનપત્ર પાઠવ્યું*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ આહવા*
ડાંગ: વનરક્ષક અને વનપાલ કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા વન વિભાગના કર્મચારીઓમાં ભારે અ ટીવીસંતોષ વ્યાપી ગયો છે. આ અસંતોષના પગલે ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળ દ્વારા ગત ૨૮ સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે આવેદનપત્ર પાઠવીને જો વહેલી તકે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ જ કડીમાં આજરોજ ૩ ઓક્ટોબરના રોજ ડાંગ જિલ્લા વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા ડાંગ ઉત્તર અને ડાંગ દક્ષિણ વન વિભાગના ડી.સી.એફ. (DCF) શ્રીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંડળના પ્રમુખશ્રી હકમભાઈ રબારી, ઉપપ્રમુખશ્રીઓ કમલેશભાઈ ચૌધરી અને કિશોરભાઈ આહીર તેમજ મહામંત્રીશ્રીઓ સુનિલભાઈ ગામીત અને રુસિરાજસિંહ ડોડીયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કર્મચારી મંડળે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓનો તાત્કાલિક ધોરણે ઉકેલ નહીં આવે, તો ડાંગ સહિત સમગ્ર ગુજરાતમાં આંદોલન વધુ ઉગ્ર બનાવી હડતાળનો માર્ગ અપનાવવામાં આવશે.
કર્મચારીઓની મુખ્ય અને મહત્વની માંગણીઓ:
સુરક્ષા અને સલામતી: વનરક્ષક અને વનપાલ કર્મચારીઓને સુરક્ષા અને સિક્યુરિટી એલાઉન્સ આપવામાં આવે.
રજા અને પગાર ધોરણ: રજાના દિવસે ફરજ બજાવવાની મર્યાદા વાર્ષિક 48 દિવસની જગ્યાએ પૂરેપૂરી આપવામાં આવે, રજા પગારનું ચૂકવણું બેઝિક + ડી.એ. (DA) મુજબ પોલીસ વિભાગના ધારા-ધોરણો અનુસાર કરવામાં આવે.
ગ્રેડ-પેની વિસંગતતા: વર્ગ-4ના રોજમદારને ૨૧,૯૦0 અને વર્ગ-3ના વનરક્ષકને ૧૮,૦૦ ગ્રેડ-પેની વિસંગતતા દૂર કરી યોગ્ય વેતન ધોરણ લાગુ કરવામાં આવે.
મહેકમ પુનઃ ચાલુ કરવું: વનપાલની બંધ કરવામાં આવેલ ભરતી અને જગ્યાઓનું મહેકમ પુનઃ ચાલુ કરી, રાઉન્ડ, બીટ તથા રેન્જનું વિસ્તરણ કરીને નવી જગ્યાઓ ઊભી કરવામાં આવે.
બદલીના પ્રશ્નો: વનરક્ષક અને વનપાલની લાંબા સમયથી પ્રતિક્ષિત બદલીના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવું.
ડાંગ જિલ્લાના સ્થાનિક પડતર પ્રશ્નો:
રજા પગાર: તા. ૦૧/૧૦/૨૦૨૨થી બાકી રહેલો રજા પગાર તાત્કાલિક ચૂકવવો.
વોશિંગ એલાઉન્સ: વનરક્ષક ભરતી-૨૦૨૨ના કર્મચારીઓનું ૧૪ માસનું બાકી વોશિંગ એલાઉન્સ ચૂકવવું.
ટી.એ./ડી.એ. (TA/DA) બિલ: વનરક્ષક ભરતી ૨૦૨૨ અને ૨૦૨૪ અંતર્ગત ૬ મહિનાની તાલીમ પૂર્ણ કરીને આવેલા વનરક્ષકોના બાકી રહેતા TA/DA બિલોનું તાત્કાલિક ચૂકવણું કરવું.
પેટ્રોલ એલાઉન્સ: જંગલમાં સતત પેટ્રોલિંગ કરતા વનરક્ષકો અને વનપાલોને પેટ્રોલ એલાઉન્સ આપવામાં આવે.
ગુણવત્તાયુક્ત સાધનો: કર્મચારીઓને ગુણવત્તાયુક્ત અને બ્રાન્ડેડ ડ્રેસ આર્ટિકલ્સ તેમજ જરૂરી સાધનો સમયસર પૂરા પાડવામાં આવે.
વન વિભાગના કર્મચારીઓની આ રોષે ભરાયેલી માંગણીઓ આગામી દિવસોમાં સરકાર માટે મોટો પડકાર બની શકે તેમ છે.