

*આહવાના મુખ્ય માર્ગ પર જાહેર શૌચાલયમાં ગંદકીનો અતિરેક, સફાઈ અને પાણીની સુવિધા માટે તાત્કાલિક કાર્યવાહી જરૂરી*
*પ્રવાસીઓ સહિત સ્થાનિકો પરેશાન; ગ્રામ પંચાયતની સફાઈ વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો*
*આહવા, ડાંગ | રિપોર્ટર: ઝાકિર ઝંકાર*
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના સરદારબજાર વિસ્તારમાં મુખ્ય માર્ગ પર આવેલ જાહેર શૌચાલયમાં ગંદકીના ઢગલા અને અસ્વચ્છતા જોવા મળતાં સ્થાનિકો તેમજ બહારથી આવતા પ્રવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સાદુભાઈની ચાની દુકાન પાછળ આવેલ આ જાહેર શૌચાલયની હાલત અત્યંત કથળેલી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
શૌચાલયમાં નિયમિત સફાઈ થતી ન હોવાના કારણે ગંદકી, દુર્ગંધ અને અસ્વચ્છતાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, શૌચાલયમાં પાણીની પૂરતી સુવિધા પણ ઉપલબ્ધ ન હોવાથી લોકો માટે ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. આહવા જેવા ડાંગ જિલ્લાના મુખ્ય મથક અને પ્રવાસન પ્રવેશદ્વાર વિસ્તારમાં મુખ્ય માર્ગ નજીક જાહેર શૌચાલયની આવી સ્થિતિ તંત્રની સ્વચ્છતા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કરે છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આહવામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. આવા પ્રવાસીઓ જાહેર શૌચાલયનો ઉપયોગ કરવા જાય ત્યારે ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે છે, જેના કારણે ડાંગની સ્વચ્છતા અને પ્રવાસન છબી પર પણ નકારાત્મક અસર થવાની શક્યતા છે.
જવાબદાર તંત્ર તાત્કાલિક સ્થળ તપાસ કરે અને કાર્યવાહી કરે તેવી માંગ
સ્થાનિકો દ્વારા ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્ર સમક્ષ તાત્કાલિક સ્થળની સફાઈ કરાવી શૌચાલયને સ્વચ્છ રાખવા, નિયમિત સફાઈની વ્યવસ્થા ગોઠવવા તેમજ પાણીની કાયમી સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ શૌચાલયની જાળવણીની જવાબદારી કોની છે તે સ્પષ્ટ કરી નિયમિત દેખરેખ રાખવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.
આહવા શહેરના મુખ્ય માર્ગ પર આવેલ જાહેર સુવિધાની આવી સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહે તે પહેલાં ગ્રામ પંચાયત અને સંબંધિત અધિકારીઓ દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી સફાઈ તથા પાણીની સુવિધા શરૂ કરવામાં આવે અને જવાબદાર વ્યવસ્થા સામે જરૂરી પગલાં લેવામાં આવે, તેવી સ્થાનિકોની ઉગ્ર માંગ છે.