નવરાત્રી પૂર્વે ગોધરામાં શાંતિ સમિતિની બેઠક, ભાઈચારાનો સંદેશ; સુરક્ષા વ્યવસ્થાને લઈને એસપીની સૂચનાઓ
ગોધરા હેડ ક્વાર્ટર ખાતે નવરાત્રી તહેવારને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બંને સમાજના પ્રતિનિધિઓ એકસાથે ઉપસ્થિત રહેતા ગોધરામાં સામાજિક એકતા અને ભાઈચારાનો સંદેશ જોવા મળ્યો હતો.
બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. એસપી સાહેબે નવરાત્રીના કાર્યક્રમો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આયોજકો અને શાંતિ સમિતિના સભ્યોને સતર્ક રહેવા જણાવ્યું હતું.
ગરબા આયોજન માટે બનાવવામાં આવતા સ્ટેજની ક્ષમતા અંગે પણ યોગ્ય ચકાસણી કરવા સૂચના આપવામાં આવી હતી. રસ્તાની વચ્ચે વાહનો પાર્ક ન કરવામાં આવે અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવા જણાવાયું હતું.
નવરાત્રીના કાર્યક્રમોમાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે જનરેટરની વ્યવસ્થા રાખવા પણ સૂચના અપાઈ હતી, જેથી એક સેકન્ડ માટે પણ લાઈટ બંધ ન થાય. બેઠકના અંતે સૌએ સાથે મળીને રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.
રિપોર્ટર સપના રાઠોડ બ્યુરો ચીફ પંચમહાલ