
શહેર કોંગ્રેસની સંગઠનાત્મક સમીક્ષા બેઠકમાં સંગઠન મજબૂત બનાવવા ચર્ચા; પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ કુલદીપ શર્માની ઉપસ્થિતિમાં નવા આગેવાનોનું સ્વાગત કરાયું
જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં રાજકીય હલચલ વચ્ચે શહેર કોંગ્રેસ સમિતિની સંગઠનાત્મક સમીક્ષા અને માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ અશોકભાઈ ઘોસિયા સહિતના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસનો હાથ પકડી લેતાં સ્થાનિક રાજકારણમાં ચર્ચા જાગી છે.
જૂનાગઢ ખાતે યોજાયેલી આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કુલદીપ શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન જૂનાગઢ શહેર કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા, આગામી રાજકીય કાર્યક્રમોનું આયોજન કરવા તેમજ પક્ષના સંગઠનાત્મક કાર્યોને વેગ આપવા અંગે હોદ્દેદારો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કોંગ્રેસની વિચારધારાથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ અશોકભાઈ ઘોસિયા, વોર્ડ નંબર-4ના પૂર્વ વોર્ડ પ્રમુખ રાજેશભાઈ ચૌહાણ સહિત તેમના સાથી આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ પક્ષમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કુલદીપ શર્માના હસ્તે તમામ નવા આગેવાનો અને કાર્યકરોને કોંગ્રેસ પક્ષમાં આવકારવામાં આવ્યા હતા.
નવા આગેવાનોના પક્ષપ્રવેશને આવકારતાં કોંગ્રેસ પરિવાર દ્વારા આગામી દિવસોમાં સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, વિવિધ વોર્ડના પ્રમુખો, પક્ષના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.