
જૂનાગઢ/કેશોદ: જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક આવેલા સોંદરડા GIDC વિસ્તારમાં કારખાનાના નિર્માણકામ દરમિયાન ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ખુલ્લા પ્લોટમાં ઊભા કરાયેલા ભારેખમ લોખંડના એંગલ અચાનક ધસી પડતાં એક પશુપાલક યુવાન અને તેની ભેંસનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કેશોદના રહેવાસી બટુક મુળુભાઈ કોડિયાતર (ઉંમર આશરે 40 વર્ષ) સોંદરડા GIDC વિસ્તારમાં ભેંસ ચરાવી રહ્યા હતા. આ દરમિયાન ભેંસ દોડીને ખુલ્લા પ્લોટમાં ઊભા કરાયેલા લોખંડના એંગલ પાસે પહોંચી હતી. ભેંસ એંગલ સાથે અડકતાં જ ભારેખમ લોખંડના એંગલ ધસી પડ્યા હતા, જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
108 મારફતે હોસ્પિટલ ખસેડાયા, તબીબોએ મૃત જાહેર કર્યા
અકસ્મતમાં ગંભીર રીતે અસરગ્રસ્ત થયેલા બટુકભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ દુર્ઘટનામાં એક ભેંસનું પણ મોત નીપજ્યું હતું.
CCTV ફૂટેજ સામે આવતાં ઘટનાની ગંભીરતા ઉજાગર
આ દુર્ઘટનાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ફૂટેજ સામે આવતાં જ વિસ્તારમાં બનેલી આ કરુણ ઘટનાની ચર્ચા શરૂ થઈ છે. નિર્માણકામ દરમિયાન ખુલ્લા પ્લોટમાં ઊભા રાખવામાં આવેલા ભારેખમ લોખંડના એંગલની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલો ઊભા થયા છે.
પરિવારજનોમાં શોકની લાગણી
બટુક મુળુભાઈ કોડિયાતરના અચાનક અવસાનથી તેમના પરિવારજનો અને સ્વજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
હવે આ દુર્ઘટના બાદ નિર્માણસ્થળે ભારેખમ લોખંડના એંગલની સુરક્ષા અને આવી ઘટનાઓ અટકાવવા માટે જરૂરી તકેદારી રાખવામાં આવી હતી કે નહીં, તે તપાસનો વિષય બન્યો છે.
