

*ડાંગ જિલ્લાના બોરખેત ગામમાં ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ*
–
*તાલીમમાં પર્યાવરણને અનુકૂળ, ખર્ચ ઘટાડતી અને જમીનની ઉપજક્ષમતા વધારતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓને અપનાવવા માટે ખેડૂતમિત્રોને માર્ગદર્શન અપાયું*
–
ઝાકિર ઝંકાર : આહવા:તા,૩૧
ડાંગ જિલ્લાના ગોડલવિરી ક્લસ્ટરમાં સમાવિષ્ટ બોરખેત ગામમાં ખેડુત માસ્ટર તેમજ કૃષિ સખી દ્વારા ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૭ જેટલા ખેડૂતમિત્રો જોડાયા હતાં. જેમને પર્યાવરણને અનુકૂળ, ખર્ચ ઘટાડતી અને જમીનની ઉપજક્ષમતા વધારતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓને અપનાવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમ દરમિયાન કલસ્ટરના C.R.P. શ્રી ઉમેશભાઈએ ખેડૂતમિત્રોને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ જેમ કે જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, દ્રાવણ તૈયાર કરવાની રીત, માટી સ્વાસ્થ્ય સુધારણા તથા રાસાયણિક મુક્ત ખેતી અંગે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. જ્યારે કૃષિ સખી શ્રીમતી સવિતાબેને મહિલા ખેડૂતોને પ્રોત્સાહિત કરી, તાલીમ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે માર્ગદર્શન આપ્યુ હતું.
ડાંગ જિલ્લાની પ્રાકૃતિક ખેતી કલસ્ટર-ગોડલવિરી દ્વારા આયોજિત બેઠક, તાલીમ અને અનુભવો તેમજ વિવિધ કાર્યક્રમો થકી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસો દ્વારા ખેતી ખર્ચમાં ઘટાડો, પાકની ગુણવત્તામાં વધારો અને આરોગ્યદાયક ખોરાકના ઉત્પાદન તરફ મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવી રહ્યા છે.
–