
*પશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા પશુપાલકો માટે વર્મીકમ્પોસ્ટિંગ નિદર્શન, પશુપાલન ગોષ્ઠિ અને ફિલ્ડ વિઝિટનું આયોજન કરાયું :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૬
પશુ વિજ્ઞાન કેન્દ્ર (પી.વી.કે.), વઘઈ, પશુચિકિત્સા અને પશુપાલન. મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી કેમ્પસ દ્વારા પશુપાલકો માટે વર્મીકમ્પોસ્ટિંગનું નિદર્શન, પશુપાલન ગોષ્ઠિ તથા ફિલ્ડ વિઝિટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પશુપાલકોને ટકાઉ પશુપાલન પદ્ધતિઓ, કુદરતી ખાતર ઉત્પાદન તથા વૈજ્ઞાનિક પશુપાલન અંગે વ્યવહારુ જ્ઞાન પૂરૂં પાડવાનો હતો.
આ કાર્યક્રમમાં ડૉ. એમ. એમ. ઇસ્લામ (ઇન્ચાર્જ, પશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ) દ્વારા પશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈની ઉદ્દેશ્યસભર કામગીરી, વિસ્તરણ પ્રવૃત્તિઓ તથા પશુપાલકો માટે ઉપલબ્ધ વિવિધ સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપી અને આવા કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય પશુપાલકોને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો ઉપર ભાર મૂક્યો.
વર્મીકમ્પોસ્ટિંગ નિદર્શન દરમિયાન ડૉ. ઉત્સવ સુરતી અને ડૉ. મહેશ માઢવાતર (મદદનીશ પ્રાધ્યાપક) દ્વારા વર્મીકમ્પોસ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા, જરૂરી કાચા માલ, જાળવણી પદ્ધતિ, ખર્ચ-લાભ વિશ્લેષણ તેમજ પશુપાલન સાથે તેની સંકલિત ઉપયોગિતા અંગે વિગતવાર અને વ્યવહારુ માર્ગદર્શન આપ્યું. તેમણે સમજાવ્યું કે પશુપાલન અવશેષોનો યોગ્ય ઉપયોગ કરીને ખેડૂતો અને પશુપાલકો વધારાની આવક મેળવી શકે છે તેમજ જમીનની ઉર્વરતા વધારી શકે છે.
પશુપાલન ગોષ્ઠિ દરમિયાન પશુ આરોગ્ય, ચારો વ્યવસ્થાપન, સ્વચ્છતા અને ઉત્પાદનક્ષમ પશુપાલન પદ્ધતિઓ અંગે ઉપયોગી ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ આયોજિત ફિલ્ડ વિઝિટ દરમિયાન પશુપાલકોને કાર્યરત વર્મીકમ્પોસ્ટ એકમ તથા સફળ પશુપાલન પદ્ધતિઓનું સ્થળ પર અવલોકન કરાવવામાં આવ્યું, જેથી તેઓ આ પદ્ધતિઓને પોતાના ખેતર પર સહેલાઈથી અપનાવી શકે.
કાર્યક્રમના અંતે પશુપાલકોના પ્રશ્નો અને શંકાઓ સાંભળી તેમનો સંતોષકારક ઉકેલ આપવામાં આવ્યો. સાથે સાથે પશુપાલકોને પ્રોત્સાહનરૂપે પશુપાલન તથા કુદરતી ખેતી આધારિત માહિતી સાહિત્યની કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું.
આ સમગ્ર કાર્યક્રમ ડૉ. એમ. એમ. ઇસ્લામ (ઇન્ચાર્જ, પશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ) ના નેતૃત્વમાં તથા ડૉ. વી. એસ. ડબાસ (આચાર્ય, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી) અને ડૉ. જે. એસ. પટેલ (વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર) ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.
પશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા આયોજિત આવી પ્રવૃત્તિઓ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા પશુપાલકોને વૈજ્ઞાનિક અને ટકાઉ પશુપાલન પદ્ધતિઓ અપનાવવા પ્રેરણા આપી તેમને આત્મનિર્ભર બનવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
–