

લાખાપર ગામના જાગૃત નાગરિકોની સરકાર સમક્ષ મીડિયા મારફત અપીલ
લાખાપર | તા. 23/02/2026
લાખાપર ગામમાંથી રોજિંદા ભારે વજનના મીઠાં ભરેલા વાહનોની અવર-જવર થતી હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગામનો મુખ્ય રસ્તો અત્યંત સાંકડો, સિંગલ પટી તથા માત્ર ૧૦થી ૧૫ ટન ક્ષમતા ધરાવતો છે, જ્યારે આ માર્ગ પરથી વારંવાર અનેકગણી વધુ ક્ષમતાવાળા મીઠાં ભરેલા વાહનો પસાર થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ માર્ગ પર જ શાળાનો રોડ આવેલો હોવાથી નાનકડાં બાળકોની રોજિંદી અવર-જવર રહે છે. ઉપરાંત સમગ્ર વિસ્તાર પશુપાલન અને ખેતી આધારિત હોવાથી દિવસ દરમિયાન બાળકો તથા પશુઓની અવર-જવર વધુ રહે છે. આવી પરિસ્થિતિમાં ભારે વાહનોના કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
વધુ ચિંતાજનક બાબત એ છે કે મીઠાં ભરેલી અનેક ગાડીઓ જૂની તથા ખરાબ હાલતમાં હોવાથી અવારનવાર રસ્તા પર જ બંધ પડી જાય છે. તાજેતરમાં જ એક મીઠાં ભરેલી ગાડી ગામના મુખ્ય માર્ગ પર બંધ પડી જતા ૩ થી ૪ કલાક સુધી માર્ગ સંપૂર્ણ રીતે અવરોધિત રહ્યો, જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
આ ઉપરાંત વાહનોમાંથી રસ્તા પર છૂટો પડતો મીઠો આસપાસની જમીનમાં ફેલાઈ રહ્યો છે, જેના કારણે જમીન ખારાશ અને ક્ષારયુક્ત બનવાની ભીતિ ઊભી થઈ છે. આવી સ્થિતિ યથાવત રહે તો આવનાર સમયમાં ખેતીલાયક જમીન બેરણ બનવાની ગંભીર શક્યતા નકારી શકાય નહીં.
લાખાપર ગામના જાગૃત નાગરિકો સરકારી તંત્ર તથા સંબંધિત અધિકારીઓને અપીલ કરે છે કે આ ગંભીર સમસ્યાને તાત્કાલિક ધ્યાનમાં લઈ યોગ્ય પગલાં લેવામાં આવે. પ્રારંભિક તબક્કે તો વધુ ક્ષમતાવાળો (૭૦ થી ૮૦ ટન સહનશક્તિ ધરાવતો) મજબૂત માર્ગ નિર્માણ કરવામાં આવે અથવા વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગની વ્યવસ્થા કરાય, જેથી ગામના બાળકો, પશુઓ અને ગ્રામજનોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.
ગ્રામજનોને આશા છે કે સરકાર તેમની આ નાનકડી પરંતુ અત્યંત મહત્વપૂર્ણ માંગ પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરી વહેલી તકે યોગ્ય નિર્ણય લેશે.
રિપોર્ટ બાય આદમ નોતિયાર
ઇન્ડિયન ટીવી ન્યુઝ લખપત તાલુકા