

*સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ આહવા-ડાંગ ખાતે ‘૩૯ મા વાર્ષિક ખેલકૂદ રમતોત્સવની ઉજવણી’ કરાઇ :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૩૧
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજમાં ‘૩૯ મા વાર્ષિક ખેલકૂદ રમતોત્સવની ઉજવણી’ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન અને કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ડાંગ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી અલ્કેશ બી.પટેલ, ખો-ખો આંતરરાષ્ટ્રીય રમતવીર સુશ્રી ઓપીના ભિલાર તેમજ ડાંગના પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી ચેતનભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે ખો-ખોમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રતિનિધિતિત્વ કરનાર અને મહિલા ખો-ખો વર્લ્ડ કપ-૨૦૨૫ ના વિજેતા ભારતીય ટીમનાં ખેલાડી એવા સુશ્રી ઓપીના ભિલારે રમત-ગમત ક્ષેત્રની પોતાની પ્રારંભિક ખેલયાત્રાનું વર્ણન કરી, રમત-ગમત ક્ષેત્રમાં રહેલ પોતાની વિશેષ અભિરૂચીને દર્શાવીને સર્વ વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતાં.
કોલેજના આચાર્યશ્રી ડૉ.યુ.કે.ગાંગુર્ડેએ દ્વારા ડાંગ જિલ્લાનું નામ વિશ્વફલક સુધી પહોંચાડનાર કુમારી સરિતા ગાયકવાડ, મુરલી ગાવિત અને ઓપીના ભીલાર તેમજ ભોવાન રાઠોડ જેવા રમતવીરોના ઉદાહરણો આપી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતાં. સાથે પોતાની કોલેજના જુદી જુદી રમતોમાં યુનિવર્સિટીમાં પસંદગી પામેલા તેમજ આંતર-યુનિવર્સિટીમાં પ્રતિધિત્વ કરેલ વિદ્યાર્થીઓનો નામોનો ઉલ્લેખ કરીને વધુને વધુ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી દ્વારા આયોજિત રમતોમાં સહભાગી બની એમાં ઉત્કૃષ્ટ દેખાવ કરે અને વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે-સાથે રમત ક્ષેત્રમાં પણ વધુને વધુ આગળ વધે અને ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી કોલેજનું તથા જિલ્લા અને દેશનું નામ રોશન કરે એવી અપીલ સાથે શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ડાંગ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી અલ્કેશ બી.પટેલ તથા ખો-ખો આંતરરાષ્ટ્રીય રમતવીર સુશ્રી ઓપીના ભિલારે ગોળો ફેંકીને આ રમતોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ તેમજ રમતોત્સવનું આયોજન આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ IQAC કૉ-ઓર્ડીનેટર ડો.ડી.એમ.ગાંવિતના સંકલનમાં રહીને જીમખાના સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ રમતોત્સવમાં પંદર જેટલી જુદી જુદી વ્યક્તિગત અને સામુહિક ઈન્ડોર-આઉટડોર રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
–