
પાટણના ચંદુમાણા ગામે વરઘોડાને લઈ વિવાદ: દલિત યુવકના લગ્ન પ્રસંગે હથિયાર સાથે ધમકી, 8 સામે ગુનો
પાટણ તાલુકાના ચંદુમાણા ગામે દલિત સમાજના યુવકના લગ્ન પ્રસંગે નીકળેલા વરઘોડાને લઈ તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. વરઘોડો જાહેર માર્ગ પરથી પસાર થતો હતો ત્યારે કેટલાક શખ્સોએ હથિયારો સાથે ધસી આવી જાતિવિષયક અપશબ્દો બોલી ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ મામલે પાટણ તાલુકા પોલીસે 8 શખ્સો વિરુદ્ધ બી.એન.એસ. અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
ચંદુમાણા ગામના રોહિતવાસ વિસ્તારમાં રહેતા ગણપતભાઈ કલાભાઈ ચાવડાના પુત્ર વિશાલના લગ્ન પ્રસંગે તા.1 ફેબ્રુઆરી, 2026ના રોજ સવારે 11:30 વાગ્યે ડીજે સાથે વરઘોડો નીકળ્યો હતો. વરઘોડો જોગણી માતાના મંદિર પાસેના ચોકમાં પહોંચતા જ વિવાદ ઊભો થયો હતો.
આરોપ મુજબ અનિલજી બકુજી તલવાર સાથે, જીવણજી તખાજી ધારીયા સાથે તેમજ અન્ય આરોપીઓ લાકડીઓ લઈને ગેરકાયદે મંડળી રચી વરઘોડા તરફ દોડી આવ્યા હતા. આરોપીઓએ વરઘોડો કાઢવા બાબતે વિરોધ વ્યક્ત કરી જાતિવિષયક શબ્દો બોલી અપમાનિત કર્યા હતા અને ફરી વરઘોડો કાઢશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટનાથી વરઘોડામાં સામેલ લોકોમાં દહેશત ફેલાઈ હતી અને વરરાજાને તાત્કાલિક સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યો હતો.
રિપોર્ટ. અરવિંદ બાકોલા પાટણ ITN National