*જમીન વધુ ફળદ્રુપ, ઓછો ખર્ચ અને બમણું ઉત્પાદન એટલે પ્રાકૃતિક કૃષિ*
–
*સુબીર તાલુકાના બિબુપાડા ગામના પ્રગતિશીલ ખેડૂત ગમનભાઇ ઠાકરેનો પ્રાકૃતિક ખેતીનો અનોખો અભિગમ*
–
*ચણા, મકાઈ, ઘઉં અને સૂર્યમુખીની મિશ્ર પાકની પ્રાકૃતિક ખેતી કરી મોડેલ ફાર્મ ઉભુ કર્યું*
–
*ડાંગના સુબીર તાલુકાના સાત ગામોમાં માસ્ટર ટ્રેનર તરીકે અનેક ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કર્યા*
–
અહેવાલ : ઉમેશ ગાવિત
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૦૨
પ્રાકૃતિક ખેતી આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાનો પ્રકાશસ્તંભ બની છે. આ ખેતી પદ્ધતિએ માત્ર જમીનની ફળદ્રુપતા જ જાળવી નથી રાખી, પરંતુ ખેડૂતોના આત્મવિશ્વાસમાં પણ નવો ઉલ્લાસ ભર્યો છે. ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરતાં અહિના ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. આ સાથે જ સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાષ્ટ્રીય સ્તરે નેશનલ મિશન ઑન નેચરલ ફાર્મિંગ (NMNF) હેઠળ અનેક યોજનાઓ અમલમાં છે. જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વધુ વ્યાપ વધે તે માટે ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક ખેતી તાલીનું પણ આયોજન થઇ રહ્યું છે.
પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી ડાંગના પુર્વપટ્ટી વિસ્તારના બિબુપાડા ગામના પ્રગતિશિલ ખેડૂત શ્રી ગમનભાઇ ઠાકરેએ પરંપરાગત ખેતી સાથે પોતાના ખેતરમાં મિશ્ર પાક ખેતીની શરૂઆત કરી છે. પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજીને અન્ય ખેડુતોને પણ પ્રાકૃતિક ખેતીનું પ્રોત્સાહન આપતાં શ્રી ગમનભાઇ ઠાકરે અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.
પ્રાકૃતિક ખેત પધ્ધતિ વિશે ગમનભાઇ ઠાકરેએ જણાવ્યું હતું કે, અગાઉ તેઓ રાસાયણિક ખાતરોનો વધુ ઉપયોગ કરતા જેના કારણે તેઓના જમીનની તંદુરસ્તી ઘટતી જોવા મળી હતી. જેથી તેઓએ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો નિર્ણય લીધો. પોતાના ખેતરમાં જીવામૃત, ઘનજીવામૃત, નીમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, વર્મીકમ્પોસ્ટ તથા દેશી ગાય આધારિત દ્રાવણોનો ઉપયોગ શરૂ કર્યો જેના પરિણામે જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું, જમીન નરમ અને પોચી બની, સૂક્ષ્મ જીવાણુઓમાં વધારો થયો અને અળસીયાની (earthworms) સંખ્યા વધતા જમીનની ફળદ્રુપતામાં સુધારો થયો છે.
શ્રી ગમનભાઇ ઠાકરે આત્મા પ્રોજેક્ટમાં જોડાઇ પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી પ્રેરણા પ્રવાસ કર્યાં, મોડેલ ફાર્મની મુલાકાત લઇ માર્ગદર્શન મેળવ્યું સાથે જ રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું માર્ગદર્શન મેળવી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણય કર્યો. આજે તેઓ માસ્ટર ટ્રેનર તરીકે સાત ગામડાઓમાં પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમો આપે છે. અને ખેડુતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરણા આપી પ્રાકૃતિક ખેતીના આયોમો વિશે જાણકારી આપી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારી રહ્યા છે.
શ્રી ગમનભાઇ ઠાકરે પોતાના ખેતરમાં ખેતરમાં ચણા, મકાઈ, ઘઉં, સૂર્યમુખી, લષણ, ડુંગળી મિશ્ર પાક કરે છે. રાસાયણિક ખાતર અને દવાઓનો સંપૂર્ણ ત્યાગ કર્યા પછી ઉત્પાદનની ગુણવત્તા વધી, જમીનની હેલ્થ સુધરી, ઝીરો બજેટ ફાર્મિંગ શક્ય બન્યું અને બજાર મૂલ્ય વધુ મળતું થયું છે.
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના વિકાસ માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સતત પ્રેરણા અને માર્ગદર્શન અગત્યનું યોગદાન આપે છે. તેમની પહેલ બાદ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતી તરફ વલણ વધી રહ્યું છે.
ડાંગ જિલ્લાના એસ્પિરેશન તાલુકા સુબીરના ખેડુતો પણ પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં પાછળ નથી રહ્યો. શ્રી ગમનભાઇ ઠાકરે જેવા ખેડુતોને કારણે ડાંગમાં પ્રાકૃતિક ખેતીમાં હકારાત્મક પરિવર્તન ઝડપથી દેખાઈ રહ્યું છે.
ડાંગ જિલ્લાનાં ખેડૂતોના એકત્રિત પ્રયત્નોથી જમીનની ફળદ્રુપતા વધી રહી છે, રસાયણિક મુક્ત ખેતી વધતી જાય છે, જૈવિક અસરકારક દ્રાવણોનો વ્યાપ વધ્યો છે, ટકાઉ અને સ્વસ્થ કૃષિ તરફ સરસ મજાનો વળાંક આવ્યો છે જેના કારણે જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રમાં આમુલ પરિવર્તન આવ્યું છે.
*બોક્ષ*
મિશ્ર પાક પદ્ધતિ માટે અનુકુળ સહજીવી પાકો :
ઝીરો બજેટ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાક પદ્ધતિમાં સહજીવી વૈકલ્પિક પાકોની પસંદગી મહત્વનું પરિબળ હોય છે. મુખ્ય પાક એક દળ હોય ત્યારે સહજીવી પાક દ્વિદળ હોવો જોઈએ. મુખ્ય પાકનું મૂળ ઊંડું જતું હોય તો સહજીવી પાક એવો લેવો જોઈએ કે તેનું મૂળ ઊંડે ન જાય. સહજીવી પાક મુખ્ય પાક કરતા અડધા અથવા ત્રિજા ભાગના સમયમાં તૈયાર થતો હોવો જોઈએ, મુખ્ય પાક કરતાં ઓછા સમયમાં તૈયાર થઈ જવો જોઈએ. સહજીવી પાક ઝડપથી વૃદ્ધિ પામતો અને જમીનને ઢાંકી દે તેવો હોવો જોઈએ. જો મુખ્ય પાકના પાનમાં સૂર્યપ્રકાશના કિરણોની તીવ્રતા સહન કરવાની શક્તિ વધારે હોય તો વૈકલ્પિક પાક તેઓ લેવો જોઈએ, જેના પાનની સૂર્યપ્રકાશ સહન કરવાની શક્તિ ઓછી હોય. મુખ્ય પાક એવો હોય કે જેના પાન ઓછા ખરતા હોય ત્યારે સહજીવી પાક એવો લોવો જોઈએ જેના પાન વધુ ખરતા હોય. સહજીવી પાકમાં મિત્ર કીટક આવે તેવો પાક હોય તો, મુખ્ય પાકમાં કીટક નિયંત્રણ થાય તેવા પાકોનું વાવેતર હિતાવહ છે.
–