
સરકારની ઇન સ્કૂલ યોજના હેઠળ નિયમિત તાલીમનું પરિણામ: SGFI જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં શ્રી એલ.એન.પી. હાઈસ્કૂલ, ભાટીયાના ખેલાડીઓનો મેડલ વરસાદ
સરકારની ઇન સ્કૂલ રમતગમત યોજના અંતર્ગત શ્રી એલ.એન.પી. હાઈસ્કૂલ, ભાટીયામાં વિદ્યાર્થીઓને નિયમિત રમતગમતની તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમનું ઉત્તમ પરિણામ તાજેતરમાં યોજાયેલી SGFI જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં જોવા મળ્યું, જેમાં શાળાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને 6 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 10 મેડલ જીતી શાળા અને સમગ્ર ભાટીયા વિસ્તારનું ગૌરવ વધાર્યું છે.
ગોલ્ડ મેડલ વિજેતાઓ: નાંગેશ કેવલ (U-14 -25 કિ.ગ્રા.), ગમારા કરણ (U-14 -35 કિ.ગ્રા.), સોનગરા હિરેન (U-14 -45 કિ.ગ્રા.), ચૌહાણ આસ્થા (U-14 -40 કિ.ગ્રા.), ગાધેર ભરત (U-17 -45 કિ.ગ્રા.) અને ડોસાણી કુંભા (U-19 -73 કિ.ગ્રા.).
સિલ્વર મેડલ વિજેતાઓ: વારસાકીયા કમલેશ (U-14 -50 કિ.ગ્રા.) અને કરંગિયા પિયુ (U-14 -23 કિ.ગ્રા.).
બ્રોન્ઝ મેડલ વિજેતાઓ: ઘેડિયા હર્ષિલ (U-14 -30 કિ.ગ્રા.) અને રાયઠ્ઠા પવિત્ર (U-14 -30 કિ.ગ્રા.).
આ તમામ ખેલાડીઓ શાળા પૂર્ણ થયા બાદ દરરોજ સાંજે 5:00 થી 7:00 વાગ્યા સુધી ઇન સ્કૂલ યોજના અંતર્ગત જુડો કોચના માર્ગદર્શન હેઠળ નિયમિત તાલીમ મેળવે છે. ખેલાડીઓની સતત મહેનત, શિસ્ત અને કોચના માર્ગદર્શનના પરિણામે આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે.
જુડો કોચ રાજેશ્વરી બમણીયાએ જણાવ્યું હતું કે સરકારની ઇન સ્કૂલ યોજના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. યોગ્ય તાલીમ અને સતત પ્રેક્ટિસ દ્વારા વિદ્યાર્થીઓને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.
શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, સંચાલક મંડળ, વાલીગણ તથા ગ્રામજનોએ તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
સરકારની ઇન સ્કૂલ રમતગમત યોજના હેઠળ મળતી તાલીમ વિદ્યાર્થીઓને માત્ર રમતગમતમાં જ નહીં, પરંતુ ભવિષ્યમાં આર્મી, પોલીસ, રેલ્વે તથા અન્ય સરકારી વિભાગોમાં સ્પોર્ટ્સ કોટા હેઠળ કારકિર્દી બનાવવાની ઉત્તમ તક પણ પ્રદાન કરે છે.
રિપોર્ટ જયેશભાઇ મોરી