*ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ*
…….
*કલેક્ટરશ્રી દ્વારા તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સહિત જરૂરી તકેદારીના કડક નિર્દેશો*
……..
*નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ*
….
ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની સંભવિત આગાહીને પગલે નાગરિકોની સુરક્ષા અને આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે. જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા તમામ સંબંધિત અધિકારીઓને એલર્ટ મોડ પર રહેવા અને જરૂરી તમામ આગોતરા પગલાં લેવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકાઓના ચીફ ઓફિસરશ્રીઓ, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીઓ તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતના તમામ સંબંધિત અધિકારીઓને નીચે મુજબની કામગીરી સુનિશ્ચિત કરવા આદેશ અપાયા છે.
જે મુજબ ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના હેડક્વાર્ટર ખાતે હાજર રહેવાનું રહેશે. સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના કોઈ પણ અધિકારી/કર્મચારી હેડક્વાર્ટર છોડી શકશે નહીં.
અગાઉના વર્ષોમાં જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું, ત્યાં સમયસર અને તાત્કાલિક સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવી.
ફ્લેશ ફ્લડ અથવા ભારે પાણી ભરાવાની સ્થિતિમાં જોખમી સ્થળો અને વોટર લોગીંગ વિસ્તારોમાં લોકોની અવરજવર અટકાવવા તાત્કાલિક બેરિકેડિંગ કરવું. જરૂર જણાય ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવો તથા પાણીના નિકાલ માટે ડી-વોટરિંગ પંપની આગોતરી વ્યવસ્થા રાખવી.તથા કોઈ પણ પ્રકારની જાનહાનિ કે આર્થિક નુકસાન ન થાય તે માટે જિલ્લામાં આવેલા અત્યંત જર્જરિત મકાનોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવા. રસ્તાઓ બંધ થવાની સ્થિતિમાં સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક સ્થાનિક સ્તરે માહિતી આપવી અને તેની જાણ જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમને કરવી. ભારે પવન કે વરસાદથી વૃક્ષો કે ડાળીઓ રોડ પર પડે તો તેને તાત્કાલિક દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરવો. નર્મદા કેનાલ અને તેના આસપાસના રોડ તથા વિસ્તારોમાં લોકોની બિનજરૂરી અવરજવર ન થાય તે માટે જરૂરી સુરક્ષાત્મક તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
ઉપરાંત ‘Sachet App’ પરથી મળતી હવામાન અને આપદા સંબંધી ચેતવણીઓ અને એલર્ટ્સ નાગરિકો સુધી ઝડપથી પહોંચાડવાની વ્યવસ્થા સાથે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોની સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ છે અને કોઈ પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પણ અફવાઓથી દૂર રહેવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે.
…..
હિતેશ પટેલ