
સુરતમાં સનસનાટી: પ્રખ્યાત ‘નક્ષત્ર સેફ હાઉસ’ સોના ચોરી કેસનો પર્દાફાશ, માલિકના પિતા-પુત્રો સહિત 4 ધરપકડ!!
સંવાદદાતા: સુમિત શુક્લા
સુરત શહેરના બહુચર્ચિત અને ચકચારી ‘નક્ષત્ર સેફ હાઉસ’ સોના ચોરી કેસમાં સુરત પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે આ ગુનાના મુખ્ય સૂત્રધાર એવા સેફ હાઉસના માલિક, તેમના બે પુત્રો અને તિજોરીની ડુપ્લીકેટ ચાવી બનાવનાર કારીગર સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, શેરબજારમાં થયેલા કરોડોના નુકસાનની ભરપાઈ કરવા માટે ખુદ માલિકના પુત્રોએ જ ગ્રાહકોની અમાનત પર ત્રાટકવાનું કાવતરું ઘડ્યું હતું.

ધરપકડ કરાયેલા આરોપીઓની યાદી
સુરત પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ રેકેટનો પર્દાફાશ કરીને નીચેના 4 શખ્સોની સત્તાવાર અટકાયત કરી છે
- મહેશ દિયોરા – નક્ષત્ર સેફ હાઉસના મુખ્ય માલિક.
- હર્ષ દિયોરા – માલિકનો પુત્ર (ચોરીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ).
- હરિકૃષ્ણ દિયોરા – માલિકનો બીજો પુત્ર (કાવતરામાં સક્રિય ભાગીદાર).
- મણિલાલ – લોકર્સની નકલી (ડુપ્લીકેટ) ચાવીઓ તૈયાર કરી આપનાર કારીગર.

ગુના પાછળનું મુખ્ય કારણ: શેરબજારમાં ₹3 કરોડનું દેવું
પોલીસની સઘન પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી હર્ષ દિયોરાને શેરબજાર (Stock Market)માં અંદાજે ₹3 કરોડનું મોટું નુકસાન થયું હતું. આ દેવું ચૂકવવા માટે તેણે પોતાના જ સેફ હાઉસને નિશાન બનાવવાની યોજના બનાવી. લોકર્સ તોડ્યા વિના આસાનીથી ચોરી કરી શકાય તે માટે તેણે ચાવી બનાવનાર મણિલાલનો સંપર્ક કર્યો અને તિજોરીઓની ડુપ્લીકેટ ચાવીઓ તૈયાર કરાવી હતી.
ચોરીની વિગત અને કરોડોની રિકવરી
નિશાન બનાવેલા લોકર્સ: આરોપીઓએ કુલ 6 ગ્રાહકોના લોકર્સને પોતાનો શિકાર બનાવ્યા હતા.
ચોરી થયેલું સોનું: લોકર્સમાંથી કુલ 206 તોલા સોનું સાફ કરી દેવામાં આવ્યું હતું, જેની વર્તમાન બજાર કિંમત આશરે ₹2.67 કરોડ થાય છે.
પોલીસ એક્શન: ગુનો નોધાતા જ સુરત પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીઓ પાસેથી ₹15 લાખની રોકડ (કેશ) જપ્ત કરી લીધી છે. બાકીનું સોનું અને અન્ય મુદ્દામાલ રિકવર કરવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.
નક્ષત્ર સેફ હાઉસનું વિશાળ નેટવર્ક
સ્થાપના: આ સંસ્થા છેલ્લા 11 વર્ષથી કાયદેસરના લાયસન્સ સાથે સુરતમાં કાર્યરત છે અને પ્રતિષ્ઠિત ગણાતી હતી.
શાખાઓ: સુરત શહેરમાં તેની કુલ 4 શાખાઓ છે (મહીધરપુરામાં બે, સિંગણપુરમાં એક અને વરાછામાં એક શાખા).
ક્ષમતા: દરેક શાખાના સેફ વોલ્ટમાં આશરે 600 થી 700 લોકર્સ આવેલા છે, જ્યાં હજારો લોકોએ કિંમતી દાગીના રાખ્યા છે.
ગ્રાહકોમાં ફફડાટ અને વર્તમાન સ્થિતિ
આ ઘટના બહાર આવતા જ નક્ષત્ર સેફ હાઉસના અન્ય લોકર ધારકો અને ગ્રાહકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોતાના કિંમતી દાગીના સુરક્ષિત છે કે નહીં તેની ચકાસણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો સેફ હાઉસની વિવિધ શાખાઓ પર ઉમટી રહ્યા છે.
સુરત પોલીસ આ મામલાને અત્યન્ટ ગંભીરતાથી લઈ રહી છે. પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એ દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે કે આ ટોળકીએ ભૂતકાળમાં અન્ય કોઈ ગ્રાહકોના લોકર્સમાંથી સોનાની ચોરી કરી છે કે કેમ.
સંવાદદાતા: સુમિત શુક્લા