

*આહવામાં તળાવમાં ડૂબી રહેલા યુવાનને ગ્રામજનોએ સમયસૂચકતા દાખવી બચાવ્યો*
*ત્રણ યુવકોની હિંમતથી મયંક કિશોર મહાકાળનો બચાવ, મોટી દુર્ઘટના ટળી*
*રિપોર્ટર: ઝાકિર ઝંકાર આહવા ડાંગ*
ડાંગ જિલ્લાના આહવા ખાતે મુખ્ય રસ્તાની બાજુમાં આવેલા તળાવ (બંધારા)માં એક યુવાન ડૂબવા જતા સ્થાનિક ગ્રામજનોએ સમયસૂચકતા અને હિંમત દાખવી તેને બચાવી લીધો હતો.
મળતી માહિતી મુજબ, મયંક કિશોર મહાકાળ નામનો યુવાન તળાવના પાણીમાં ડૂબવા લાગ્યો હતો. આ દરમિયાન આસપાસના ગ્રામજનોની નજર તેના પર પડતાં તેમણે તાત્કાલિક મદદ માટે દોડ કરી હતી.
યુવાનને પાણીમાં ડૂબતો જોઈ આકાશ પવાર, ઉમેશભાઈ અને મનોજભાઈએ કોઈપણ પ્રકારની પરવા કર્યા વિના તરત જ પાણીમાં કૂદી જઈ તેને બહાર કાઢ્યો હતો. સમયસર કરવામાં આવેલા આ બચાવ પ્રયાસને કારણે યુવાનનો જીવ બચી ગયો હતો.
સ્થાનિકોની સતર્કતા અને ત્રણેય યુવકોની હિંમતના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ સ્થળ પર એકત્ર થયા હતા.
આ ઘટનાએ ફરી એકવાર તળાવ અને બંધારા જેવા પાણીના સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા તથા સાવચેતી રાખવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે.