

*આહવા તાલુકાના મહાલપાડા ગામે રૂ. ૪.૫૦ લાખના નાળાના કામમાં મોટો ભ્રષ્ટાચાર: મધ્યમ વરસાદમાં જ કામ ધોવાઈ જતાં ગ્રામજનોમાં રોષ*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર , ડાંગ આહવા*
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના મહાલપાડા
ગ્રામ પંચાયત દ્વારા વિકાસના નામે કરાતા કામોમાં લોટ, પાણી ને લાકડા જેવી નીતિ અપનાવાતી હોવાનો તાજો કિસ્સો મહાલપાડા ગામે સામે આવ્યો છે. ગામે એ.ટી.વી.ટી. (ATVT) યોજના હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન મંજૂર થયેલા નાળાના નિર્માણ કાર્યમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.
મહાલપાડા ગામે જાનુભાઈના ખેતરથી ઈશ્વરભાઈની જમીન તરફ જવાના રસ્તે અંદાજે રૂ. ૪,૫૦,૦૦૦/- (ચાર લાખ પચાસ હજાર) ના ખર્ચે નાળાનું કામ કરવામાં આવ્યું હતું. જોકે, આ કામગીરીમાં વપરાયેલા હલકી ગુણવત્તાના મટીરીયલ અને લોટપાણી જેવા બાંધકામને કારણે સામાન્યથી મધ્યમ વરસાદમાં જ આ સમગ્ર નાળું તૂટીને વિખેરાઈ ગયું છે.
નાળું તૂટી જતાં સરપંચ અને સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલ ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ સપાટી પર આવી ગયો છે. સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે સરકારી નાણાંનો સીધો દુરુપયોગ કરી ગુણવત્તા વગરનું કામ પતાવી દેવામાં આવ્યું છે. માત્ર એક જ સીઝનના સામાન્ય વરસાદને પણ સહન ન કરી શકે તેવું નિર્માણ સરકારી નાણાંનો વ્યય દર્શાવે છે.
આ અંગે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે અને ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે:
આ સમગ્ર કામગીરીની ઉચ્ચ સ્તરીય ટેકનિકલ તપાસ કરવામાં આવે.
જવાબદાર સરપંચ, એજન્સી અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય.
તૂટી ગયેલા નાળાનું તાત્કાલિક ધોરણે મજબૂત અને ગુણવત્તાસભર પુનઃનિર્માણ કરવામાં આવે.
જો વહેલી તકે આ અંગે કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી વિરોધ દર્શાવવાની ચીમકી પણ આપવામાં આવી છે.