

*કાલોલ તાલુકાની મેદાપુર શાળામાં જિલ્લા કલેક્ટરનું સરપ્રાઈઝ ચેકિંગ: શૈક્ષણિક ગુણવત્તા અને પાયાની સુવિધાઓનું પ્રત્યક્ષ મૂલ્યાંકન*
23/09/2026, બુધવાર
કાલોલ:
પંચમહાલ જિલ્લામાં છેવાડાના ગામો સુધી સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરે તેવા ઉદ્દેશ સાથે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ મંગળવાર ના રોજ કાલોલ તાલુકાના મેદાપુર સ્થિત પ્રાથમિક શાળાની પૂર્વ સૂચના વિના આકસ્મિક મુલાકાત લીધી હતી. વહીવટી વડાની અણધારી મુલાકાતથી શાળા પરિસરમાં ભારે ઉત્સાહ અને સક્રિયતા જોવા મળી હતી.
મુલાકાત દરમિયાન કલેક્ટરે સીધા વર્ગખંડમાં જઈ વિદ્યાર્થીઓ સાથે બેસીને વાતચીત કરી હતી. તેમણે જાતે પુસ્તક વંચાવી વિદ્યાર્થીઓની વાંચન ક્ષમતા, ગણિતના દાખલા ગણાવી ગણન કૌશલ્ય તેમજ સામાન્ય જ્ઞાનની કસોટી કરી હતી. બાળકોના શિક્ષણના પાયાના કૌશલ્યોનું મૂલ્યાંકન કર્યા બાદ તેમણે શિક્ષકો સાથે બેઠક કરી હતી અને નબળા વિદ્યાર્થીઓ માટે વિશેષ વર્ગો યોજવા તેમજ શિક્ષણ પદ્ધતિને વધુ રસપ્રદ બનાવવા રચનાત્મક સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત, તેમણે શાળા પરિસરની સ્વચ્છતા, મધ્યાહન ભોજનની ગુણવત્તા, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા અને શૌચાલય બ્લોક જેવી ભૌતિક સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી સુધારા કરવા સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યા હતા.
રિપોર્ટર સપના રાઠોડ બ્યુરો ચીફ પંચમહાલ