દાહોદ:
મહાકુંભ યાત્રા થી પરત ફરતા પરિવારના વાહનને ભયંકર અકસ્માત, 4 ના મોત, 8 ઘાયલ.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી હાઈવે પર ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે. મહાકુંભ યાત્રા પૂરી કરીને પરત ફરતા શ્રદ્ધાળુઓના વાહનને ટ્રક સાથે ગમખ્વાર અથડામણ થતાં 4 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 8 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
અંકલેશ્વર અને ધોળકા ના શ્રદ્ધાળુઓ ટાટા વિંગર ટ્રાવેલર ગાડીમાં પ્રયાગરાજ મહાકુંભ યાત્રા પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન, પાલ્લી હાઈવે પર એક ઊભેલી ટ્રક સાથે પાછળથી જોરદાર અથડામણ થતા આ ભીષણ અકસ્માત સર્જાયો.
આ અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. ઘાયલ શ્રદ્ધાળુઓને તાત્કાલિક દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે મૃતકોના મૃતદેહને લીમખેડા લઈ જવામાં આવ્યા.
આ ઘટના અંગે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ ટ્રક રસ્તા ઉપર ઊભી રહી જતા અને ટ્રાવેલર ગાડી પાછળથી જોરદાર અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હોવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ દુર્ઘટનાથી મૃતકોના પરિવારજનો પર શોકનું મોજું ફરી વળ્યું છે. યાત્રા પૂરી કરીને પરત ફરી રહેલા પરિવાર માટે આ દુખદ ઘટનાથી સમગ્ર ગામમાં શોક અને ગમગીરતા જોવા મળી રહી છે.
આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
દાહોદ જીલા બ્યુરો ચીફ:- આનંદ સાંસી