કલેકટર કચેરી ખાતે બેઠક યોજી જામનગર જીલ્લાની ડીઝાસ્ટર પ્રીપેડનેસ સબંધિત કામગીરીની સમીક્ષા કરી
કુદરતી આફતોને પહોચી વળવા ઈમરજન્સી એક્શન પ્લાન તૈયાર કરવા તથા નેશનલ ડીઝાસ્ટર એલર્ટ એપનું ઈસ્ટોલેશન કરવા લગત અધિકારીશ્રીઓને NDMAના જોઇન્ટ એડવાઈઝર લેફટન્ટ કર્નલ સુર્યપ્રકાશ પાંડેનું સૂચન
જામનગર તા.૧૦ જુલાઈ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના જોઇન્ટ એડવાઈઝર લેફટન્ટ કર્નલ સુર્યપ્રકાશ પાંડે અને તેમની દિલ્હીની ટીમે જામનગર જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડમાં જામનગર જીલ્લાની ડીઝાસ્ટર પ્રીપેડનેસ સબંધિત કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. કલેકટરશ્રી કેતન ઠક્કરે જામનગર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ઈમરજન્સી એક્શન પ્લાન અંગે NDMAની ટીમને માહિતગાર કર્યા હતા.આ બેઠકમાં નાગરિક સંરક્ષણ કચેરીના નાયબ નિયંત્રકશ્રી વી.કે.ઉપાધ્યાય દ્વારા સમગ્ર જીલ્લાના તથા ચીફ ફાયર ઓફિસર શ્રી કે.કે.બિશ્નોઈ દ્વારા જામનગર શહેરના ડિઝાસ્ટર પ્લાન અને તેની કામગીરી પ્રેઝન્ટેશનના માધ્યમથી રજુ કરી હતી.
જેમાં જામનગર જીલ્લાની ભૌગોલિક અને ઔદ્યોગિક સ્થિતિ અંગે જાણકારી, જામનગર જીલ્લામાં આપદાઓને ધ્યાનમાં રાખીને યોજવામાં આવતી મોકડ્રીલ, અર્લી વોર્નિંગ્સ, તાલીમો, જાગૃતતા અભિયાન વિષે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જીલ્લા વહીવટી તંત્ર દ્વારા એનજીઓ તથા નજીકના જીલ્લાઓ સાથે સંકલનમાં રહીને કરવામાં આવતી કામગીરી, મ્યુચ્યુઅલ એઇડ સ્કીમ્સ, ગામડાઓમાં સલામત શેલ્ટર હોમ્સની ઓળખ, પ્રિ-મોન્સુન પ્લાનિંગ, જીલ્લા કંટ્રોલરૂમ, તાલુકા લેવલ કન્ટ્રોલ રૂમ અને રિસ્પોન્સ, વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહીને કરવામાં આવતી કામગીરી, કોમ્યુનિટી અવેરનેસ અને સ્કુલ સેફટી પ્રોગ્રામ્સ, આપદા સમયને પહોચી વળવા આરોગ્ય અને તત્કાલીન સેવાઓ, વાઇટલ ઈંસ્ટોલેશન્સ વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
NDMAના જોઇન્ટ એડવાઈઝર લેફટન્ટ કર્નલ સુર્યપ્રકાશ પાંડેએ લગત અધિકારીશ્રીઓને સૂચનો આપતા જણાવ્યું હતું કે, જામનગર જીલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વ ધરાવતો હોવાથી ઔદ્યોગિક એકમો તથા મોટી ફેકટરીઓ અને કંપનીઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવે તથા સમયાંતરે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ કુદરતી આફતો સામે કઈ રીતે રક્ષણ મેળવવું તે અંગેની મોકડ્રીલ કરવામાં આવે. તેમજ આપદામિત્રો, શિક્ષકો, સરકારી કર્મચારીઓ તથા જાહેર જનતા માટે પણ સ્વ બચાવ અંગેની તાલીમોનું આયોજન કરવું જોઈએ. જેથી કરીને ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવી શકાય. તેઓએ ભૂતકાળમાં બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને અપદાઓ સમયે લેવાની થતી તકેદારી અંગે સચોટ ઈમરજન્સી એક્શન પ્લાન તૈયાર કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત ચોમાસામાં જામનગર જીલ્લાના જળાશયોની સ્થિતિ અંગે લોકોને માહિતગાર કરવા, ચેકડેમ, તળાવો, ડેમ રીપેરીંગ કરાવવા, ફાયર સેફટી તથા અન્ય સંસાધનોની ચકાસણી કરવી, પોર્ટની સુરક્ષા વધારવી, પૂરની પરિસ્થિતિ સર્જાય તેવા ગામોમાં બોટ, લાઈફ જેકેટ વગેરેની સગવડો ઉપલબ્ધ રાખવા તથા આપદામાં આધુનિક કોમ્યુનિકેશન સિસ્ટમનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ નેશનલ ડીઝાસ્ટર એલર્ટ એપ “સચેત એપ”નો મહત્તમ ઉપયોગ કરવા જણાવ્યું હતું. જામનગર જિલ્લામાં સેનાની ત્રણે પાંખો આર્મી, નેવી અને એરફોર્સ હોય કટોકટીના સમય દરમિયાન તંત્રને મદદરૂપ થઇ શકે તે માટે તેઓ સાથે બેઠક યોજવા જોઇન્ટ એડવાઈઝર લેફટન્ટ કર્નલ સુર્યપ્રકાશ પાંડેએ સૂચન કર્યું હતું.
આ બેઠકમાં NDMAની ટીમના ઉપસચિવ શ્રીતામા સામંતા, કમાંડન્ટ આદિત્ય કુમાર કન્સલ્ટન્ટ (એમઈ-આઈઆરએસ એન્ડ કોસ્ટલ રિજીયન), જોઈન્ટ એડવાઈઝર (CBT) શ્રી રાજેશ પટેલ, GSDMAના સિનિયર કન્સલ્ટન્ટશ્રી અંકિતા પરમાર, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નું, નિવાસી અધિક કલેકટરશ્રી બી.એન.ખેર, જામનગર મરીન નેશનલ પાર્ક નાયબ વન સંરક્ષકશ્રી રવીપ્રસાદ, જામનગર વન વિભાગ નાયબ વન સંરક્ષકશ્રી રાધિકા પડસાલ, પ્રાંત અધિકારીશ્રીઓ, લગત વિભાગના અધિકારીશ્રીઓ વગેરે હાજર રહ્યા હતા.
જામનગર વિશાલ જે હરવરા બ્યુરોચિફ.