રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરી એક વિવાદાસ્પદ મામલો સામે આવતા નવું વિવાદ ઉભું થયું છે. અગાઉ કસ્ટોડિયલ ડેથને કારણે ચર્ચામાં રહેલું આ પોલીસ મથક હવે એક વકીલ સાથે થયેલી હિંસાત્મક ઘટનાને કારણે ચર્ચામાં છે.
ઘટના વિગત
વકીલ હિતેશભાઈ ધીરજલાલ મકવાણા દ્વારા આપવામાં આવેલી લેખિત ફરિયાદ મુજબ, 20 સપ્ટેમ્બરના રોજ તેઓ પોતાની પત્ની સાથેના મતભેદને લઈને માયાણી ચોક ખાતે આવેલા ગોલીવાળા સોડાની દુકાન પર ગયા હતા. ત્યાં તેમની સાડી ખુશ્બુબેન અને સસરા અરવિંદભાઈ હાજર હતા. વાતચીત દરમિયાન ઝપાઝપી થઈ જતા ટી-શર્ટ ફાટી ગયું અને બાદમાં અજયભાઈ, વિક્રમભાઈ તથા હિતેશભાઈ નામના લોકો ત્યાં આવી ઝઘડો કર્યો. એક અન્ય વ્યક્તિએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઝપાઝપી દરમિયાન તેમની પુત્રી કાવ્યા હાજર હતી, જેણે રડતા રડતા પિતાને ન મારવા વિનંતી કરી. ત્યાં જ પોલીસ આવી પહોંચી અને તેમને સ્ટેશને લઈ ગઈ.
પોલીસ સ્ટેશનમાં મારપીટનો આક્ષેપ
વકીલનું કહેવું છે કે તેમણે હોસ્પિટલ લઈ જવા માટે 108 બોલાવી હતી, પરંતુ પોલીસના PSI ધાંધલે તેમને એમ્બ્યુલન્સમાંથી ઉતારીને સ્ટેશને ઉપરના માળે લઈ ગયા અને ચહેરા પર ઘૂસાઓ મારીને કહી દીધું હતું કે “વકીલ હોય તો શું થઈ ગયું? હાઇકોર્ટ પણ મારું કશું બગાડી નહીં શકે.”
વકીલોનો વિરોધ
આ ઘટના પ્રસરી જતા મોટા પ્રમાણમાં વકીલો હોસ્પિટલ તેમજ માલવીયાનગર પોલીસ મથક ખાતે ભેગા થયા. દબાણ બાદ પોલીસે ફરિયાદ તો નોંધાવી, પરંતુ તે પણ અધૂરી હોવાનું કહેવાય છે. સીસીટીવી ફૂટેજ તપાસવાની તેમજ જવાબદાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ વકીલોએ કરી છે.
આગળની કાર્યવાહી
વકીલોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ મામલે લડત આપશે અને પોલીસના દબાણ સામે નમી નહીં જાય. આગામી દિવસોમાં જવાબદાર અધિકારીઓ સામે કોર્ટમાં સત્તાવાર કાર્યવાહી હાથ ધરી શકાશે.