

*ડાંગ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસ કામોની સમીક્ષા હાથ ધરતા પ્રભારી મંત્રીશ્રી :*
–
*જનકલ્યાણના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામ ગામીત દ્વારા સૂચના અપાઇ :*
–
*આહવા ખાતે યોજાઇ પ્રભારી મંત્રીશ્રીની સમીક્ષા બેઠક :*
–
*SIR કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લામાં ૧૦૦ ટકા ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશનની (EF Digitized) પ્રક્રિયા પૂર્ણ થતાં મંત્રશ્રીએ વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યાં :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૧૮:
રાજ્યકક્ષાના મંત્રીશ્રી વ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ડો. જયરામ ગામીતના અધ્યક્ષ સ્થાને આજ રોજ જિલ્લા કલેક્ટર કચેરી આહવા ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળના વિવિધ વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન પ્રભારી મંત્રીશ્રીએ તાલુકા તથા ગ્રામ્ય કક્ષાના મહત્વના વિકાસ કાર્યો કોઈપણ પ્રકારના વિલંબ વગર પૂર્ણ થાય તે રીતે કામગીરી હાથ ધરવા સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા.
તેમણે ખાસ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૩-૨૪ ના આયોજનના કોમોમાં રોડ, વિજળી અને બોરવેલના કામો જે ચોમાસાં પહેલાં પૂર્ણ થવાં જોઇએ, સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ શાળા અને આંગણવાડીની જમીન સરકાર હસ્તક છે કે નહી તેની તપાસણી કરી, સ્થાનિક ગ્રામજનો સાથે બેઠક યોજી જમીનના પ્રશ્નો દુર કરવા જણાવ્યું હતું. તેમજ શાળા અને આંગણવાડીમાં તમામ સેનીટેશનની વ્યવસ્થાઓ સુનિચ્છિત કરવાં ચૂચના આપી હતી.
આ ઉપરાંત જિલ્લાના તમામ વિભાગ દ્વારા ગ્રાન્ટ વપરાશ ૧૦૦ ટકા પૂર્ણ કરવાં, સરકારી આવાસ યોજનામાં સમયસર હપ્તાની ચૂકવણી કરવા સાથે જિલ્લાના તમામ વિકાસકીય કામોમાં ગુણવત્તા જળવાઇ રહે તે સુનિચ્છિત કરવાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
પ્રભારી મંત્રશ્રીએ જન કલ્યાણના કામોને સર્વોચ્ચ અગ્રતા આપી તેને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જોઈએ, સાથે જ અધિકારીઓને સમયાંતરે ફિલ્ડ વિઝીટ કરી કામગીરીની રૂબરૂ ચકાસણી કરવા સૂચના આપી હતી. બેઠકમાં પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લાના ચાલુ, પડતર તેમજ આગામી સમયમાં હાથ ધરાનાર વિવિધ વિકાસ કામો અને યોજનાકીય અમલવારી અંગે ઝીણવટભરી જાણકારી મેળવી હતી.
દરમિયાન ગુજરાત વિધાન સભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે પણ બેઠક અનુરૂપ વિકાસના કામોની જાણકારી મેળવી જરૂરી સૂચનો કર્યાં હતાં.
ભારતના ચૂંટણી આયોગ દ્વારા મતદારયાદી માટેનો Special intensive Revision(SIR) કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લામાં ૧૦૦ ટકા ગણતરી ફોર્મના ડિજીટાઈઝેશનની (EF Digitized) પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જે માટે પ્રભારી મંત્રીશ્રીએ ડાંગ જિલ્લા કલેક્ટરશ્રી સહિત ચૂંટણીલક્ષી કામગીરી સાથે સંકળાયેલા તમામ જિલ્લાના અધિકારી કર્મચારીશ્રીઓ અને વહીવટી તંત્રની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં.
આહવા ખાતે પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામ ગામીતની અધ્યક્ષતામાં યોજાયેલી સમિક્ષા બેઠકમાં ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવા, પ્રાયોજના વહીવટદાર શ્રી આંનદ પાટીલ, નાયબ વન સંરક્ષક શ્રી મુરારીલાલ મીણા, સહિત જિલ્લાના જુદા જુદા વિભાગોના અમલીકરણ અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.
–