

*કે.વી.કે.વઘઈ દ્વારા સ્વચ્છતા પખવાડાની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી*
–
*કે.વી.કે. વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિકો દ્વારા ગ્રામજનો અને ખેડૂતોને રોજિંદા જીવનમાં સ્વચ્છતાની આદતો અપનાવવાની અપીલ કરાઈ*
–
*સ્વચ્છતા પખવાડાની વિવિધ પ્રવૃત્તિઓમાં કુલ ૪૫૭ જેટલા ભાઈઓ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો*
–
ઝાકિર ઝંકાર : આહવા:તા,૩૧
નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્મા તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ (ડાંગ) ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. જે.બી. ડોબરીયાના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ. વઘઈ દ્વારા તા. ૧૬ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર દરમિયાન “સ્વચ્છતા પખવાડા”ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.
આ સ્વચ્છતા પખવાડા ઉજવણી અંતર્ગત સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છતા પ્રતિજ્ઞા લેવડાવવી, સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી, કે.વી.કે. વઘઈ દ્વારા દત્તક લેવાયેલા ગામોમાં તેમજ જાહેર સ્થળોએ સ્વચ્છતા અભિયાન ચલાવવું, સ્વચ્છતા વિષયક વ્યાખ્યાન, સ્વચ્છતા રેલી, કૃષિ પ્રદર્શન, સ્વચ્છતા સંબંધિત ફિલ્મ-શો, વર્કશોપ, ફાર્મર મીટીંગ, કિસાન ગોષ્ઠિ તથા ફાર્મ અને ઓફિસ બિલ્ડીંગની સફાઈ જેવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ તમામ કાર્યક્રમો દ્વારા સ્વચ્છતા અપનાવવાની જરૂરિયાત, સ્વચ્છ પર્યાવરણનું મહત્વ, આરોગ્ય અને સ્વચ્છતાનો પરસ્પર સંબંધ તથા સ્વચ્છ ભારત અભિયાનની ભાવનાને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કે.વી.કે. વઘઈના વૈજ્ઞાનિકોએ ગ્રામજનો અને ખેડૂતોને રોજિંદા જીવનમાં સ્વચ્છતાની આદતો અપનાવવાની અપીલ કરી હતી. આ સ્વચ્છતા પખવાડા અંતર્ગત આયોજિત વિવિધ પ્રવૃત્તિઓમાં કુલ ૪૫૭ જેટલા ભાઈઓ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
–