

ચિખલી પ્રેરણા ગ્રુપ અને સહ્યાદ્રી ડાંગ માઉન્ટેનિયરિંગ એન્ડ એડવેન્ચર એસોસિએશન, ચિરાપાડા દ્વારા અનાજ કીટ વિતરણ
ઝાકિર ઝંકાર
આહવા: તા. ૧૧
સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ચિખલી પ્રેરણા ગ્રુપ અને સહ્યાદ્રી ડાંગ માઉન્ટેનિયરિંગ એન્ડ એડવેન્ચર એસોસિએશન, ચિરાપાડા ના સંયુક્ત પ્રયાસોથી ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવા કાર્ય અંતર્ગત શામગહાન, ભુરાપાણી, ભાપખલ, રાનપાડા, બારીપાડા, ચિરાપાડા, મહારાઈચોંડ, બોરીગાંવઠા અને ચિખલી સહિત કુલ ૯ ગામોના નિરાધાર, વૃદ્ધ, અપંગ અને વિધવા મળી ૯૦થી વધુ લાભાર્થીઓને એક મહિના પૂરતું અનાજ (દાળ, ચોખા, લોટ, તેલ) તેમજ બિસ્કિટની કીટ નિસ્વાર્થ ભાવથી અર્પણ કરવામાં આવી.
કાર્યક્રમનું આયોજન ચિરાપાડા પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું. પ્રસંગે કિશોરભાઈ પટેલ (ચિખલી રિધમ ફાર્મ તથા નિવૃત્ત શિક્ષક), નીતિનભાઈ રાઉત (સ્થાનિક યુવા આગેવાન), સોનુભાઈ ચૌર્યા (સરપંચ, બારીપાડા), ગોપાળભાઈ બંગાળ (ઉપસરપંચ, ભાપખલ), પર્વતારોહક ભોવાનભાઈ રાઠોડ, કોંજુભાઈ ગાવિત સહિત પ્રેરણા ગ્રુપ અને સહ્યાદ્રી ડાંગ એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વયંસેવકોએ જણાવ્યું હતું કે, “અમારો હેતુ માત્ર સામગ્રી આપવાનો નથી, પરંતુ જરૂરિયાતમંદ પરિવારોને સમાજ તેમની સાથે છે એવો વિશ્વાસ અપાવવાનો છે.”
આ ઉપક્રમે છેવાડાના માનવી સુધી મદદ પહોંચાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.