

*ડાંગનું ગૌરવ: રાષ્ટ્રપતિના હસ્તે વઘઈ તાલુકાના શ્રીમતી સંગીતાબેન દેશમુખનું બહુમાન :*
–
*ડાંગના ઘોડવહળ ગામની પાણી સમિતિ સભ્ય શ્રીમતી સંગીતાબેન અશોકભાઇ દેશમુખને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રસંશા પત્ર એનાયત કરાયું :*
–
*“FTK-આધારિત પાણીની ગુણવત્તા દેખરેખમાં શ્રેષ્ઠતા દર્શાવતી મહિલા” તરીકે શ્રીમતી સંગીતાબેનની પસંદગી*
–
*રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષ સ્થાને નવી દિલ્હીમાં યોજાયો ‘જલ મહોત્સવ ૨૦૨૬’*
–
*પાણીના પરીક્ષણ, સંચાલન અને અન્ય જાળવણી કાર્યોમાં સામેલ સેલ્ફ-હેલ્પ ગ્રુપ્સની કામગીરીને બિરદાવતાં રાષ્ટ્રપતિ*
–
ઝાકિર ઝંકાર : આહવા :તાં : ૧૧
ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત ‘જલ મહોત્સવ-૨૦૨૬’ માં ડાંગ જિલ્લાએ રાષ્ટ્રીય ફલક પર ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. ડાંગના વઘઈ તાલુકાના ઘોડવહળ ગામની પાણી સમિતિના સભ્ય શ્રીમતી સંગીતાબેન અશોકભાઇ દેશમુખને આજરોજ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રશંસા પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
ગ્રામીણ વિસ્તારોમાં ‘જલ જીવન મિશન’ હેઠળ શુદ્ધ પાણી પૂરું પાડવાના અભિયાનમાં શ્રીમતી સંગીતાબેને “FTK આધારિત પાણીની ગુણવત્તાની દેખરેખ” માં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યાં છે.
આ પ્રસંગે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, “ભારતમાં પાણી માત્ર મૂળભૂત સુવિધા નથી, પણ આપણી સંસ્કૃતિ અને આજીવિકા સાથે જોડાયેલું છે. એક સમયે મહિલાઓએ પાણી માટે સંઘર્ષ કરવો પડતો હતો, પરંતુ આજે ‘જલ જીવન મિશન’ દ્વારા દરેક ઘરમાં સ્વચ્છ પાણી પહોંચ્યું છે.” તેમણે જળ સંરક્ષણમાં સેલ્ફ-હેલ્પ ગ્રુપ્સ અને મહિલાઓની ભૂમિકાને બિરદાવતા ‘જલ મહોત્સવ’ને એક જન આંદોલન ગણાવ્યું હતું.
નોંધનીય છે કે, ડાંગ જિલ્લાની ભૌગોલિક પરીસ્થિતી ડુંગરાળ છે. ડાંગ જિલ્લામાં ૩૧૧ ગામોમાં કુલ ૨૭૩૯૪૯ લોકોની વસ્તિ છે. જિલ્લામાં સ્વજલધારા કાર્યક્રમ/રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ/જલ જીવન મિશન કાર્યક્રમ/ગ્રામીણ વિસ્તારોમાં લોકભાગીદારીથી અને પાણી સમિતિ વ્યવસ્થાપિત ગામની આંતરિક પેયજળ વિતરણ વ્યવસ્થાની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. જેમાં ગામની પીવાના પાણીની યોજનાની મરામત અને નિભાવણી ગ્રામપંચાયત/પાણી સમિતિની અને ગામલોકોની સામેલગીરી અને સક્રિયતાથી સંચાલન કરવામાં આવે છે.
ડાંગ જિલ્લામાં શુધ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે જિલ્લાના મુખ્ય સોર્સ કુવા, હેન્ડપંપ તથા બોરના પીવાના પાણીના સેમ્પલ લઈ ફીલ્ડ ટેસ્ટ કીટ દ્વારા ચકાસણી કરવામાં આવે છે. જે અન્વયે દરેક ગામોમાં આંગણવાડી બહેનોને ફીલ્ડ ટેસ્ટ કીટથી પીવાના પાણીની ચકાસણી કરવા માટેની તાલીમ આપવામાં આવે છે. તેમજ આંગણવાડી બહેનો દ્વારા પીવાના પાણીના મુખ્ય સોર્સના સેમ્પલ લઈ પીવાના પાણીની ચકાસણી કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, જલ શક્તિ મંત્રાલય દ્વારા ૮ માર્ચથી ૨૨ માર્ચ સુધી સમગ્ર દેશમાં ‘જલ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જળ સુરક્ષામાં જન ભાગીદારી અને સામુદાયિક માલિકીને મજબૂત કરવાનો છે.
–