*સુબીરના ગવહાણ ગામેથી રૂ.૭.૪૪ લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો, ૪ આરોપી ઝડપાયા*
*રિપોર્ટર: ઝાકિર ઝંકાર , આહવા ડાંગ*
ડાંગ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે સુબીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી હાથ ધરી ગવહાણ ગામના બારીપાડા ફળિયામાંથી રૂ.૭,૪૪,૩૫૫ની કિંમતનો દારૂ, બીયર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવીર સિંહ (IPS)ની સૂચના તથા ડાંગ-આહવાના પોલીસ અધિક્ષકશ્રી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ LCBના PSI જે.જી. અનડકટની ટીમ દ્વારા જિલ્લામાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન બાતમી મળી હતી કે ગવહાણ ગામના બારીપાડા ફળિયામાં સુરેશભાઈ રેવાભાઈ દેસાઈના ઘરે સ્વિફ્ટ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારીને રાખવામાં આવ્યો છે.
બાતમીના આધારે પોલીસે પંચો સાથે સ્થળ પર રેઇડ કરતા ઘર તથા બહાર પાર્ક કરેલી સ્વિફ્ટ કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની 180 એમ.એલ.ની દારૂની 2,949 બોટલો, 500 એમ.એલ.ના 360 બીયર ટીન તથા 90 એમ.એલ.ની દેશી દારૂની 89 ટેંગો પંચ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ-બીયર સહિત કુલ 3,398 નંગનો રૂ.4,33,505નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી એક મારૂતી સ્વિફ્ટ કાર, બે બાઇક, ત્રણ મોબાઇલ ફોન તથા રૂ.5,850 રોકડ સહિત કુલ રૂ.7,44,355નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસે સ્થળ પરથી સુરેશભાઈ રેવાભાઈ દેસાઈ, રેવાભાઈ હુડીયાભાઈ દેસાઈ, સંજયભાઈ ઉર્ફે સંજુ ઝીમનભાઈ સિંદે અને વણકરભાઈ રમણભાઈ માળવીને ઝડપી પાડ્યા છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂનો મુદ્દામાલ પૂરો પાડનાર, ભરી આપનાર તથા મંગાવનાર અન્ય 8 ઈસમોની સંડોવણી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. આથી કુલ 12 આરોપીઓ વિરુદ્ધ સુબીર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરી PSI જે.જી. અનડકટના નેતૃત્વ હેઠળ ASI રમેશભાઈ પવાર, ASI પ્રમોદભાઈ નીવર તથા LCBના અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે હાથ ધરી હતી.
