રાજકોટના વીજ ગ્રાહકો માટે રાહત અને ઉત્સાહના સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા શહેરમાં નવનિર્મિત વિવિધ પેટા વિભાગીય કચેરીઓ અને હાઇ-ટેક સબ-સ્ટેશનો લોકાર્પણ સમારોહ ગૌરવભેર યોજાયો હતો. ગુજરાત રાજ્યના મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ્ હસ્તે આ તમામ લોકાર્પણો સંપન્ન થયા હતા.
રાજકોટમાં વીજ વિતરણ વ્યવસ્થા વધુ મજબૂત અને સુદ્રઢ બને તે હેતુથી મોટા મવા, બેડીનાકા અને માધાપર ખાતે નવી પેટા વિભાગીય કચેરીઓ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, વીજ પુરવઠાને વધુ અવિરત અને ગુણવત્તાસભર બનાવવા માટે ૬૬ કેવી ક્ષમતાના સ્માર્ટ સિટી-બી, સ્માર્ટ સિટી-સી અને રાણપુર સબ-સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેનાથી ભવિષ્યની વીજ જરૂરિયાતોને પહોંચી વળવામાં મોટી મદદ મળશે.
આ ભવ્ય લોકાર્પણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજકોટના લોકપ્રિય ધારાસભ્યો શ્રી દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ તેમજ ભાજપના અગ્રણી શ્રી કમલેશભાઈ મીરાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક પદાધિકારીઓ, પક્ષના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો પણ આ અવસરના સાક્ષી બન્યા હતા.
નવી કચેરીઓ શરૂ થવાથી નાગરિકોના વીજ સંબંધી પ્રશ્નોનું નિવારણ હવે વધુ ઝડપથી થશે અને નવા સબ-સ્ટેશનોના કારણે વિસ્તારમાં વીજ ભારણની સમસ્યામાંથી પણ છુટકારો મળશે.



