
*ઓપરેશન મિલાપથી ગુમ પતિ ગણતરીના કલાકોમાં પરિવાર સાથે પુનઃમિલન*
*સોશિયલ મીડિયામાં અધૂરી માહિતી સાથે વીડિયો વાયરલ થયા બાદ ડાંગ પોલીસની ત્વરિત કાર્યવાહી*
*આહવા, ડાંગ | રિપોર્ટર: ઝાકિર ઝંકાર*
ડાંગ જિલ્લાના ઉગા ચિંચપાડા ગામની એક મહિલાએ પોતાના પતિ ગુમ થયા અંગે પોલીસ અધિક્ષક પૂજા યાદવ સમક્ષ મદદની માંગ કરતા ડાંગ જિલ્લા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. સોશિયલ મીડિયા પર પણ ગુમ થયેલા પતિ અંગે અધૂરી માહિતી સાથે વીડિયો વાયરલ થયો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં ગુમ થયેલા વ્યક્તિને શોધી કાઢવામાં આવ્યા હતા.
સુરત ખાતે કંપનીમાં કામ કરતા આ વ્યક્તિ કામકાજ અર્થે આબુ અને પાલનપુર તરફ ગયા હતા. દરમિયાન બીમારી તેમજ આર્થિક અને પારિવારિક તણાવના કારણે તેમણે મોબાઇલ સ્વિચ ઓફ કરી પરિવાર સાથે સંપર્ક તોડી નાખ્યો હતો. ત્યારબાદ તેઓ ટ્રેન મારફતે દિલ્હી તરફ ગયા હોવાનું અને બાદમાં નવસારી તરફ પરત આવતા હોવાની માહિતી પોલીસ તપાસમાં સામે આવી હતી.
પોલીસ અધિક્ષક પૂજા યાદવના સીધા માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસ સ્ટેશનના PI એ.એ. ચાવડા તથા તેમની ટીમ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના PSI જે.જી. અનડકટ તથા તેમની ટીમે અલગ-અલગ ટીમો બનાવી સુરત અને નવસારી વિસ્તારમાં રેલવે સ્ટેશન તથા બસ સ્ટેશન ખાતે તપાસ શરૂ કરી હતી. અંતે ગુમ થયેલા વ્યક્તિને નવસારી જિલ્લાના વાંસદા બસ સ્ટેશન ખાતેથી શોધી કાઢવામાં આવ્યા હતા.
પોલીસે તેમને વઘઈ પોલીસ સ્ટેશન ખાતે લાવી ભોજન તથા જરૂરી દવા-સારવારની વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ કાઉન્સેલિંગ કરી ‘ઓપરેશન મિલાપ’ હેઠળ પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લા પોલીસની આ ત્વરિત કામગીરીથી ખુશ થઈને ડાંગ જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ગ્રુપના સભ્યો પોલીસ અધિક્ષકની કચેરી, આહવા ખાતે રૂબરૂ પહોંચ્યા હતા અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ ભવિષ્યમાં પણ આવી પ્રજાલક્ષી કામગીરી થતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ડાંગ જિલ્લા પોલીસે લોકોને અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા પર અધૂરી, ખોટી કે ભ્રામક માહિતી સાથે રીલ અથવા વીડિયો વાયરલ કરવાને બદલે સૌપ્રથમ માહિતીની ખરાઈ કરવી અને જરૂરી માહિતી પોલીસને આપી તપાસમાં સહયોગ કરવો.
કામગીરી કરનાર ટીમ:
વઘઈ પોલીસ સ્ટેશન તરફથી PI એ.એ. ચાવડા, HC જયરામભાઈ ભોયે, HC રાજેશભાઈ બાગુલ અને WPC કોમલબેન સરવૈયા તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ તરફથી PSI જે.જી. અનડકટ, ASI રમેશભાઈ પવાર, HC દિલીપભાઈ ગામીત, PC અશોકભાઈ પટેલ અને PC હિનયભાઈ ગાઈન સહિતની ટીમે કામગીરી કરી હતી.