

*ડાંગ જિલ્લામાં ભગવાન બીરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન બસ સેવા અંતર્ગત વધુ સાત બસોનું લોકાપર્ણ :*
–
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ આહવા*
તા: ૨: ડાંગ જિલ્લાના જનજાતિ વિસ્તારોમાં પરિવહન સુવિધાને વધુ સુલભ અને સશક્ત બનાવવા માટે ભગવાન બીરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન બસ સેવા અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની વધુ ૭ નવી બસોનું આહવા ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના હસ્તે આ બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીત, ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, ડેપો મેનેજર શ્રી ગૌસ્વામી તેમજ અન્ય આગેવાનો, પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મહાનુભાવોએ જણાવ્યું હતું કે, ભગવાન બીરસા મુંડાના નામે શરૂ કરવામાં આવેલી આ બસ સેવા આદિજાતિ વિસ્તારોના લોકો માટે શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને અન્ય આવશ્યક સેવાઓ સુધીની પહોંચને વધુ સરળ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. નવી બસોના પ્રારંભથી જિલ્લાના અંતરિયાળ ગામોના મુસાફરોને સુરક્ષિત, આરામદાયક અને સમયસર પરિવહન સુવિધા ઉપલબ્ધ થશે.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા આ નવિન બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોને વધુ સારી અને ગુણવત્તાસભર સેવા પૂરી પાડવાના પ્રયાસોની પ્રશંસા કરી આ બસોમાં પ્રતિકાત્મક મુસાફરી પણ કરી હતી.