*વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બહેન વાસંતીબેન મોદીનો પરિવાર સાથે ડાંગ પ્રવાસ*
*ધાર્મિક, ઐતિહાસિક, આધ્યાત્મિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લઈ ડાંગની સુંદરતાનો માણ્યો આનંદ*
*આહવા, ડાંગ | રિપોર્ટર: ઝાકિર ઝંકાર*
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બહેન શ્રીમતી વાસંતીબેન મોદી તથા તેમના પતિ શ્રી હસમુખભાઈ મોદી પરિવાર સાથે ડાંગ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. પ્રવાસ દરમિયાન તેમણે ડાંગના ધાર્મિક, ઐતિહાસિક, આધ્યાત્મિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લઈ જિલ્લાના કુદરતી સૌંદર્ય તથા સાંસ્કૃતિક વારસાનો આનંદ માણ્યો હતો.
ડાંગ પ્રવાસ દરમિયાન વાસંતીબેન મોદી અને હસમુખભાઈ મોદીએ શબરીધામ, પંપા સરોવર, પાંડવ ગુફા, અંજની કુંડ તેમજ બિલમાલ (તુલસીગડ) ખાતે આવેલ અર્ધનારેશ્વર મહાદેવ મંદિરના દર્શન અને મુલાકાત લીધી હતી. સુબીર ખાતે અસીમાનંદ સ્વામીજીના આશીર્વાદ પણ મેળવ્યા હતા.
વાસુર્ણા ખાતે આવેલ તેજસ્વીની સંસ્કૃતિ ધામમાં બ્રહ્મવાદીની પૂજ્ય હેતલદીદીના સાનિધ્યમાં શિવાશ્રય તેજસ્વીની કન્યા છાત્રાલયની દીકરીઓ સાથે સાંજની આરતી તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો. છાત્રાલયમાં અભ્યાસ કરતી ૫૦ જેટલી દીકરીઓમાં શિક્ષણ સાથે સ્વચ્છતા, સંસ્કાર, સંસ્કૃતિ અને સહાનુભૂતિના ગુણો જોઈ સમગ્ર મોદી પરિવાર આનંદિત થયો હતો.
પ્રવાસ દરમિયાન આહવા ખાતે સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ ગુજરાતના ઉપપ્રમુખ શ્રી ગિરીશભાઈ મોદીના નિવાસસ્થાને પણ પરિવાર સાથે પધાર્યા હતા, જ્યાં પરિવારજનો દ્વારા તેમનું આત્મીય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે તેમણે ગીતાંજલિ સ્કૂલની પણ મુલાકાત લીધી હતી.
સમગ્ર પ્રવાસ દરમિયાન શ્રી ગિરીશભાઈ મોદી, શ્રી અમરનાથ જગતાપ અને શ્રીમતી બીબીબેન ચૌધરી તેમની સાથે રહી પ્રવાસ વ્યવસ્થા તથા માર્ગદર્શનની કામગીરીમાં સહભાગી બન્યા હતા.
ડાંગની મનોહર પ્રકૃતિ, પવિત્ર ધાર્મિક સ્થળો અને સ્થાનિક લોકોની આત્મીયતાથી વાસંતીબેન મોદી તથા પરિવારજનો પ્રસન્ન થયા હતા. ડાંગની યાદગાર સફરની સુખદ સ્મૃતિઓ સાથે તેઓ પરત ફર્યા હતા.