
વધુમા વધુ મીડિયાકર્મીઓને લાભ લેવા આયોજકોનો અનુરોધ
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૧૮:
શિયાળો હોય, ઉનાળો હોય કે પછી હોય ચોમાસુ. પત્રકારો હરહંમેશ રાતદિવસ જોયા વિના સમાચારો માટે સતત દોડતા રહેતા હોય છે.
તટસ્થ-સચોટ માહિતી નાગરિકો સુધી પહોંચાડવાનું નેક કામ કરતા આવા પત્રકારો પણ, સમાજનો એક આધાર સ્તંભ છે. એક સ્વસ્થ અને તંદુરસ્ત પત્રકાર સમાજને જાગૃત રાખવાનું કામ કરે છે. ત્યારે, તેમના સ્વાસ્થ્યની મહત્તા સમજીને રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા મીડિયાકર્મીઓ, પત્રકારોના સ્વાસ્થ્યની દરકાર સાથે માન્ય પત્રકારોને વીમા કવચ સહિતની વિવિધ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે.
ગુજરાતના પત્રકારોનુ સ્વાસ્થ્ય નિરંતર જળવાઈ રહે તે માટે, માહિતી અને પ્રસારણ વિભાગ તેમજ ગુજરાત રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમા પત્રકારો/મીડિયાકર્મીઓ માટે ગત વર્ષથી “ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા” અભિયાન હાથ ધરવામા આવ્યુ છે. આ અભિયાન અંતર્ગત ગત વર્ષે ડાંગ જિલ્લામા પણ આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ડાંગ જિલ્લા માહિતી કચેરી, અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પનુ આયોજન કરાયુ હતુ. જેમા આશરે ૩૫થી વધુ પ્રિન્ટ અને ઈલે.મીડિયાના પત્રકારોએ ભાગ લીધો હતો.
આ શૃંખલાને આગળ વધારતા આગામી તારીખ ૨૪મી નવેમ્બર, ૨૦૨૫ના રોજ ડાંગ જિલ્લામા ફરી એકવાર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત પ્રદેશ અને રાજ્ય સરકારના માહિતી વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ મેડિકલ કેમ્પ યોજાવા જઈ રહ્યો છે.
આહવાની સિવિલ હોસ્પિટલ ખાતે યોજાનાર આ કેમ્પમાં મીડિયાકર્મીઓના બ્લડ ટેસ્ટ, કંપ્લિટ બ્લડ કાઉન્ટ, લિવર અને કિડની ફંકશન ટેસ્ટ, લિપિડ પ્રોફાઈલ, યુરિક એસિડ, કેલ્શિયમ, થાઈરોઈડ માટે હોર્મોનલ ટેસ્ટ, વિટામિન બી-૧૨ અને વિટામિન ડી, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, ઈ.સી.જી. અને ચેસ્ટ એક્સ રે સહિત ૫૦ વર્ષથી વધુ આયુની વ્યક્તિઓ (પુરુષ) માટે પ્રોસ્ટેટ ટેસ્ટ, અને મહિલાઓ માટે સર્વાઈકલ કેન્સર તથા બ્રેસ્ટ કેન્સરની તપાસ પણ હાથ ધરાશે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમા થતા હજારો રૂપિયાના આ ટેસ્ટ ‘ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા’ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મીડિયાકર્મીઓ માટે વિના મૂલ્યે કરવામા આવી રહ્યા છે. ત્યારે ડાંગ જિલ્લાના વધુમા વધુ મીડિયાકર્મીઓ પણ આ તપાસણી કેમ્પમાં ભાગ લે તે ઇચ્છનીય છે.
આ હેલ્થ કેમ્પમાં ભાગ લેવા માટે મીડિયા કર્મીઓને https://forms.gle/Hi4dXQv1TT7eycyi6 લિન્ક મારફત રજિસ્ટ્રેશન કરવા જિલ્લા માહિતી કચેરી દ્વારા અનુરોધ કરવામા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ લિંક કાર્યક્રમના આગલા દિવસ સુધી એટલે કે તા.૨૩ નવેમ્બર સુધી રજિસ્ટ્રેશન માટે ઓપન રહેશે.
–