
*રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬*
–
*ડાંગના સુબીર ખાતે સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં માર્ગ સલામતી વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો :*
–
*કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના મહત્વપૂર્ણ નિયમો અને “રાહવીર યોજના” વિશે માહિતગાર કરાયા :*
–
*વિદ્યાર્થીઓને “રાહવીર યોજના” વિષયક પતંગોનું વિતરણ કરાયું :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૭
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા “Safe Road, Safe Life” અભિયાન અંતર્ગત તા.૦૧/૦૧/૨૦૨૬ થી ૩૧/૦૧/૨૦૨૬ દરમિયાન એક માસ સુધી ટ્રાફિક જાગૃતિને લગતા વિવિધ થીમ આધારિત જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે ગત રોજ ડાંગ જિલ્લાના સુબીર ખાતે સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં માર્ગ સલામતી વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી મોટર વાહન નિરીક્ષક શ્રી ડી.એસ.હળપતિ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના મહત્વપૂર્ણ નિયમો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ, ટ્રાફિક સિગ્નલનું પાલન, ઝેબ્રા ક્રોસિંગનો યોગ્ય ઉપયોગ, ઓવર સ્પીડિંગથી બચવું તેમજ મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યા વગર વાહન ચલાવવાની સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત “રાહવીર યોજના” વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. માર્ગ અકસ્માતના સમયે ઘાયલ વ્યક્તિને સમયસર સારવાર મળે તે માટે રાહવીર યોજનાની ભૂમિકા અને તેના લાભો વિશે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં કોઈપણ અકસ્માત સમયે વિદ્યાર્થીઓ સમાજમાં જવાબદાર નાગરિક તરીકે મદદરૂપ બની શકે. તથા દરેક વિદ્યાર્થીઓને રાહવીર યોજના બાબતના પતંગોની પણ વહેંચણી કરવામાં આવી હતી.
*માર્ગ સુરક્ષા માટે સોળ સોનેરી સલાહ*
૧) હંમેશા હેલ્મેટ અથવા સીટ બેલ્ટનો ઉપયોગ કરીએ.
૨) રોન્ગ સાઈડ ડ્રાઈવિંગ કદી ન કરીએ.
૩) સિગ્નલ તોડવાના બદલે ધીરજપૂર્વક રાહ જોઈએ.
૪) વાહન ચવાલતી વખતે ક્યારેય મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરીએ.
૫) માર્ગની ગતિ મર્યાદાનો ભંગ કરીને પુરઝડપે અથવા જોખમી રીતે વાહન ન ચાલવીએ.
૬) ઉતાવળ કરીને જોખમી રીતે ઓવરટેક ન કરીએ.
૭) લેન ડ્રાઈવિંગની શિસ્ત જાળવીએ.
૮) જાહેર માર્ગ પર રેસિંગ કે સ્ટંટ ન કરીએ.
૯) રસ્તા પર વાહન ખોટી રીતે પાર્ક ન કરીએ.
૧૦) લાઈસન્સ ન ધરાવતા કોઈપણ વ્યક્તિને વાહન ચલાવવા ન આપીએ.
૧૧) વિમા વગર વાહન ન ચલાવવું જોઈએ.
૧૨) પરમીટ કરતાં વધુ પેસેન્જરની મુસાફરી કરાવવી ગુનો બને છે.
૧૩) દરેક વાહનનો વીમો ઉતરાવવો અનિવાર્ય છે.
૧૪) કોઈપણ પ્રકારનો નશો કરી વાહન ન ચલાવીએ.
૧૫) માલવાહક વાહનોનો મુસાફરી માટે ઉપયોગ ન કરવો.
૧૬) ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ, પોતાની તેમજ અન્યોની જીંદગી બચાવીએ.
–