

*આહવા ખાતે બોર્ડ પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે શિક્ષણમંત્રીશ્રીની વર્ચુઅલ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સ યોજાઈ :*
ઝાકિર ઝંકાર: આહવા: તા: ૧૩
સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં આગામી તા.૨૬ ફેબ્રુઆરી થી તાં. ૧૮ માર્ચ ૨૦૨૬ સુધી ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષા યોજાનાર છે. બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી રીવાબા જાડેજાની પ્રેરક વર્ચુઅલ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સ ડાંગ કલેક્ટર કચેરી આહવા ખાતે યોજાઈ હતી.
આગામી તા.૨૬/૦૨/૨૦૨૬ થી બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓ શરૂ થનાર છે. સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બોર્ડની પરીક્ષા યોજાઇ તે માટે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ માર્ગદર્શન આપ્યું હતુ.
આ વિડીયો કોન્ફરન્સમાં પરીક્ષા સંબંધે થયેલ તૈયારીની રૂપરેખા, કેન્દ્રોની સંખ્યા, બ્લોક વ્યવસ્થા, તમામ પરીક્ષા સ્થળો ઉપર યોગ્ય સીસીટીવી વ્યવસ્થા અંગેની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ, સતત વીજપુરવઠો શરૂ રહે તે માટેનું આયોજન, રૂટ પોલીસ ગાર્ડ, ઝોનલ કચેરી/સ્ટ્રોગરૂમ ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલ અધિકારી/કર્મચારીને જરૂર પડયેથી ફર્સ્ટ એઈડરી વ્યવસ્થા કરવા, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ વાહન વ્યવહારની સગવડ કરવા વગેરે બાબતે સમીક્ષા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં ધોરણ ૧૦ માં કુલ ૧૬ પેટા કેન્દ્રો, ૧૧૨૬ બ્લૉક પર ૩૭૫૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ ૧૨ માં સામાન્ય પ્રવાહમાં કુલ ૭ પેટા કેન્દ્રોના ૭૩ બ્લૉક પર ૨૧૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૦૨ કેન્દ્રો ૨૧ બ્લૉક પર ૪૨૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે કુલ મળી ૨૫ કેન્દ્રોના ૨૨૦ બ્લૉક પર ૬૩૩૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.
ડાંગ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ આ વિડિઓ કોન્ફરન્સમાં જિલ્લા કલેકટર સુ.શ્રી શાલિની દુહાન, જિલ્લા પોલીસ વડા શ્રીમતી પૂજા યાદવ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશ ત્રીવેદી, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વિજય દેશમુખ સહિત પરીક્ષા સમિતિના સભ્યો સહિત સબંધિત અધિકારીશ્રીઓ જોડાયા હતાં.
–