
*ખેલો ઇન્ડિયામાં ડાંગના સંતોષ ગાવીતે દ્વિતીય સ્થાન મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું*
રિપોર્ટર:ઝાકિર ઝંકાર
આહવા: ડાંગ
ડાંગ જિલ્લાના ગાઢવી ગામના ઉભારતા યુવા ખેલાડી સંતોષ ઉત્તમભાઈ ગાવીત (ઉંમર 20 વર્ષ) એ ખેલો ઇન્ડિયા અંતર્ગત ઝારખંડ ખાતે યોજાયેલ ખેલો ઇન્ડિયા ટ્રાયબલ રનિંગ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવી ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
આર્થિક રીતે નબળી પરિસ્થિતિ હોવા છતાં સંતોષભાઈએ પોતાના ધૈર્ય, અવિરત મહેનત અને રમત પ્રત્યેના લગાવથી સતત પ્રેક્ટિસ કરી નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. તેઓ ડાંગ ખેલ મહાકુંભ, યુનિવર્સિટી સ્તર અને સાંસદ ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે.
છેલ્લા બે વર્ષથી તેઓ સતત કઠોર મહેનત કરી રહ્યા છે. તેમની સફળતામાં સાપુતારાના કોચ અલ્કેશ સર અને સુરેશભાઈ ચૌધરીનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. બંને માર્ગદર્શકો દ્વારા સંતોષભાઈને સમયાંતરે પ્રોત્સાહન અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી છે.
હાલ તેઓ ગ્રેજ્યુએટ થઈ રનિંગની પ્રેક્ટિસમાં વ્યસ્ત છે અને આવનારા સમયમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને દેશનું નામ રોશન કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ડાંગ જિલ્લાના રમતપ્રેમી યુવાનો માટે સંતોષ ગાવીત પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.