

*આંતરરાષ્ટ્રીય મહિલા દિન, વિશેષ*
–
*ડાંગની દીકરી મોનાલીસા પટેલે ચાતર્યો છે નવો ચીલો*
–
*જીવનમાં ‘અભ્યાસ પ્રવાસ’ નું ખુબ જ મહત્વ* – મોનાલીસા પટેલ
–
*મોનાલીસા “સીનેવિદ્યા વર્કશોપ” ના માધ્યમથી ડાંગના દુર્ગમ વિસ્તારના બાળકોને ફિલ્મ નિર્માણની બારીકીઓ શીખવી રહ્યા છે :*
રિપોર્ટર:
ઝાકિર ઝંકાર : આહવા :તા : ૭
કહેવાય છે કે, “પ્રતિભા ક્યારેય સંશાધનોની મોહતાજ નથી હોતી”. આ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે ડાંગના અંતરિયાળ વિસ્તારમાંથી આવતી યુવતિ મોનાલીસા પટેલે.
ભૌતિક સુવિધાઓનો અભાવ અને સંદેશા વ્યવહારની મર્યાદાઓ હોવા છતાં, પોતાની મહેનત અને કલાના જોરે મોનાલીસાએ માયાનગરી મુંબઈમાં પોતાનું સ્થાન દર્જ કરાવ્યું છે.
મોનાલીસાએ આજે પોતે સફળતા મેળવ્યા પછી પણ પોતાના મૂળને ભૂલ્યા નથી. તેઓ “સીનેવિદ્યા વર્કશોપ” ના માધ્યમથી ડાંગના દુર્ગમ વિસ્તારના બાળકોને ફિલ્મ નિર્માણની બારીકીઓ શીખવી રહ્યા છે. જેથી અંતરિયાળ વિસ્તારની છુપાયેલી પ્રતિભાઓને યોગ્ય મંચ મળી શકે.
મોનાલીસાનો ઉછેર એક કલાપ્રેમી પરિવારમાં થયો છે. તેમણે પરંપરાગત શાળાને બદલે ‘હોમ સ્કૂલિંગ’ દ્વારા શિક્ષણ મેળવ્યું. જ્યાં પુસ્તકિયા જ્ઞાન સાથે કલા, રમતગમત અને નૃત્ય જેવા કૌશલ્યો ખીલવવાની તક મળી. માત્ર ૯ વર્ષની નાની ઉંમરે તેમણે ‘ડિસ્કવરી’ ચેનલ માટે બનેલી ફિલ્મ “Native Cango” દ્વારા અભિનયની શરૂઆત કરી હતી.
મોનાલીસાએ ડાંગી ભાષાની પ્રથમ પ્રાદેશિક ફિલ્મ “સાવલી” માં ઉત્કૃષ્ટ અભિનય આપીને લોકોના દિલ જીતી લીધા હતા. તેમની આ સફર માત્ર અભિનય પૂરતી સીમિત નથી. તેણીએ આમિર ખાનની ફિલ્મ “કોઈ જાને ના” ના પ્રખ્યાત ગીત ‘હરફન મૌલા’ માં ડિરેક્શન ટીમમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. સાથે જ ‘ચિત્રકૂટ’, મરાઠી ફિલ્મ ‘નાદ પ્રેમાચા’ અને આગામી હોમ પ્રોડક્શન ફિલ્મ ‘શમા’ દ્વારા તેઓ સતત કાર્યરત છે. મોનાલીસા પટેલ આદિવાસી ડાંગી ડાન્સ, આસામનું બીહુ, મહારાષ્ટ્રની લાવણી અને રાજસ્થાની ઘુમર જેવી પરંપરાગત શૈલીઓ ઉપરાંત અર્બન ડાન્સ સ્ટાઇલમાં પણ પારંગત છે.
ત્રણ વર્ષના ભારત ભ્રમણ બાદ મોનાલીસા દ્રઢપણે માને છે કે જીવનમાં ‘અભ્યાસ પ્રવાસ’ નું અત્યંત મહત્વ છે. પ્રવાસ દરમિયાન જિંદગીની વાસ્તવિકતાઓનો સામનો કરવાથી જે અનુભવ મળે છે, તે પુસ્તકો આપી શકતા નથી.
મોનાલીસા જણાવે છે કે “જો તમારામાં પ્રતિભા હોય અને પરિવારનો સહયોગ હોય, તો દુનિયાની કોઈ પણ મુશ્કેલી તમને સફળ થતા રોકી શકતી નથી.”
ઉલ્લેખનીય છે કે, આહવા તાલુકાના ચંનખલ ગામની આ દીકરીએ સાબિત કરી દીધું છે કે જો પરિવારનો સહયોગ અને મક્કમ નિર્ધાર હોય, તો આકાશ પણ સીમિત નથી.
એક્ટ્રેસ, ડાન્સર, સિંગર અને ડિરેક્ટર જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા મોનાલીસા પટેલ આજે માત્ર ડાંગનું જ નહીં, પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. હાલમાં તેમની હિન્દી ડેબ્યુ ફિલ્મનું શૂટિંગ લદાખમાં ચાલી રહ્યું છે. જે સાબિત કરે છે કે સપના જોવાની હિંમત કરનાર માટે આકાશ પણ સીમિત નથી.
–