

: *આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, વિશેષ*:
–
*ડાંગ જિલ્લાના મહિલા કલેક્ટર યુવાનોના પ્રેરણાસ્ત્રોત:*
–
*ઉચ્ચ કારકિર્દી ઘડતર માટે સંઘર્ષ કરતા મહેનતકશ યુવાનો માટે કલેક્ટર સુશ્રી શાલિની દુહાનની પરિશ્રમ યાત્રા એક આદર્શ :*
–
*पसीने की स्याही से जो लिखते हैं इरादें को, उसके मुक्कद्दर के पन्ने कभी कोरे नही होते…*
–
*જિલ્લા વહીવટી તંત્રના વડા તરીકે મહિલા અધિકારીઓનો દબદબો*
–
રિપોર્ટર:
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૭
જ્યારે કોઈ મહેનતકશ યુવતિ એક નહી, બે નહી, પરંતુ ત્રણ ત્રણ વખત યુ.પી.એસ.સી. ની પરીક્ષા પાસ કરે ત્યારે એ યુવતિ, તેના ઘર પરિવારનો માહોલ, અને કિસ્મત કેટલા શાનદાર અને જાનદાર હશે, તેની કલ્પના માત્ર આપણા રુંવાડા ઊભા કરી દે છે.
આવો જ એક શુભ સંયોગ રચાયો હતો હરિયાણાના એક પરિવારમા. કે જેમની સફળગાથા આજે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ નિમિત્તે અહીં પ્રસ્તુત કરવી કદાચ પ્રસંગોચિત લેખાશે.
પાણીપત જિલ્લાના એક નાનકડા ગામની એક યુવતિએ સિવિલ સેવા પરીક્ષામાં ઉચ્ચ કારકિર્દી ઘડતર માટે સંઘર્ષ કરતા મહેનતકશ યુવાનો માટે એક આદર્શ પ્રસ્થાપિત કર્યો છે. વાત માત્ર આ સફળતાની નથી. પરંતુ ધાર્યું લક્ષ પાર પાડવા માટેના બુલંદ ઈરાદા અને કંઇક કરી દેખાડવાના દમખમની છે.
આઈ.એ.એસ. જ બનવાના પોતાના અંતરાત્માને આપેલા કમિટમેન્ટ માટે સને ૨૦૧૪ની સાલમા પહેલા પ્રયત્ને ૧૯૦મી રેંક સાથે UPSC પાસ કરનાર આ પરિશ્રમી યુવતિએ, IAS માટે પોતાનું સ્થાન સુધારવાનું નક્કી કર્યું. અને સને ૨૦૧૫મા ફરી વાર ૧૦૦મી રેંક સાથે UPSC પાસ કરી, અને IPS માટે પસંદ થયા. તેનાથી પણ આ યુવતિને તેની મહેનત સામે મળેલું પરિણામ ક્યાંક ખૂંચ્યું, અને ત્યાર બાદ સને ૨૦૧૬મા ફરી આ જ પરીક્ષા આપી, ૨૧મી રેંક સાથે પોતાના IAS બનવાના સપનાને સાકાર કર્યું.
હરિયાણાના એક અંતરિયાળ નાના ગામડામાંથી પ્રાથમિક શિક્ષણ પછી દીનબંધુ છોટૂ રામ વિજ્ઞાન અને ટેક્નોલોજી યુનિવર્સિટીમાં બાયોમેડિકલ સાયન્સનો અભ્યાસ કરનાર આ યુવતિએ તેની સફળતાનું શ્રેય તેણીના માતા-પિતાને આપ્યું છે. તેમની જિદ હતી કે તેઓ આઈ.એ.એસ. જ બને. અને તેમણે બખૂબી તે કરી પણ દેખાડ્યુ.
આ યુવતિ તે બીજું કોઈ નહીં, પરંતુ ડાંગ કલેક્ટર તરીકે કાર્યભાર વહન કરી રહેલા સુશ્રી શાલિની દુહાન છે.
છેલ્લા એકાદ વર્ષથી ડાંગ જિલ્લા વહીવટી તંત્રના વડા તરીકેનો પદભાર સંભાળી રહેલા સુશ્રી શાલિની દુહાને જિલ્લાની વિષમ પરિસ્થિતિ વચ્ચે ડિઝાસ્ટરની કામગીરી, ચૂંટણીલક્ષી SIR સંબંધિત કામગીરી, VVIP મુવમેન્ટ, અનેક ઉત્સવો અને તાજેતરમાં જ સંપન્ન થયેલા ‘ડાંગ દરબાર’ જેવા કાર્યક્રમો પણ સફળતાપૂર્વક પાર પાડ્યા છે. તો જિલ્લાની મહેસુલી સેવાઓને અસરદાર બનાવવા સાથે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમને પણ ફળદાયી બનાવ્યો છે. તો ડાંગના દુર્ગમ ગામડાઓ ખૂંદીને ત્યાંના લોકોના સ્થાનિક પ્રશ્નોને પણ હલ કર્યા છે
સને ૨૦૧૬ની ગુજરાત કેડરના આ આઈ.એ.એસ. ઓફિસર સુશ્રી શાલિની દુહાનનુ કહેવુ છે કે ‘એક વાર લક્ષ્ય નક્કી કરો પછી તેની પૂર્તિ માટે તનતોડ મહેનત સાથે જી જાન લગાવી દેવી જોઈએ. પ્રાથમિક પરીક્ષાની તૈયારીઓ સાથે જ મુખ્ય પરીક્ષાની તૈયારી પણ શરૂ કરવી જોઈએ. મૉક ટેસ્ટનો અભ્યાસ પણ એટલો જ જરૂરી છે’. પોતાના ઑપ્શનલ વિષય, જિલ્લો, રાજ્ય અને રસનાં વિષયો અંગે સંપૂર્ણ માહિતી મેળવી, અને તેનો અભ્યાસ કરવો જોઈએ.
ડાંગના આ કલેકટરશ્રીએ જીવનમાં પુસ્તકોનો કોઇ વિકલ્પ નથી તેમ પણ કહ્યું હતું. આધારભૂત જ્ઞાન માટે અનિવાર્ય પુસ્તકો સાથે નિબંધ માટે પણ અલગથી તૈયારી કરવી જોઈએ તેમ જણાવતા, તેમણે અભ્યાસ પછી રિવિઝન બહુ જ જરૂરી છે તેમ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવક યુવતિઓને કહ્યું છે. પોતાના અભ્યાસ અને રિવિઝન વિના નવી વસ્તુઓ યાદ રાખવી મુશ્કેલ છે, તેમ તેમણે ઉમેર્યું છે.
“જ્યારે ઉડાન ઉંચી લેવાની હિંમત કરી લેવાય, તો પછી આકાશની ઊંચાઈનો કોઈ અર્થ રહેતો નથી” તેમ પણ તેઓ પ્રોત્સાહન આપતા જણાવે છે.
સાચે જ पसीने की स्याही से जो लिखते हैं इरादें को, उसके मुक्कद्दर के पन्ने कभी कोरे नही होते.
ડાંગ જિલ્લામા તો કલેકટરશ્રી સહિત અનેક કાબેલ મહિલા ઓફિસરો સમગ્ર વહીવટી તંત્રને માર્ગદર્શન પૂરું પાડી રહી છે. અહીંના કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સુશ્રી શાલિની દુહાન છે. તો બીજી તરફ પોલીસ સુપ્રિટેન્ડેન્ટ સુશ્રી પૂજા યાદવ કાયદો અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે. આ ઉચ્ચ વહીવટી મહિલા અધિકારીઓ ડાંગ જિલ્લા પ્રશાસનને દોરવણી આપી રહ્યા છે. જે પ્રધાનમંત્રીશ્રીના ‘મહિલા સશકિતકરણ’, ‘કન્યા કેળવણી’, અને ‘બેટી પઢાવો-બેટી બચાવો’ જેવા સામાજિક અભિયાનની સફળતા છે.
–