

*આ છે લોકશાહીના સાચા રખવાલા*
–
*જન્મજાત દિવ્યાંગ મતદારે મતદાન કરી પ્રજાજનોને આપ્યો મૂક સંદેશ*
–
ઝાકિર ઝંકાર: આહવા: તા: ૨૬
વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ એવા ભારતમાં ચૂંટણી એટલે લોકશાહીના જતન અને સંવર્ધનનું મહાપર્વ ગણાય છે.
લોકશાહીના આ ત્યોહારમાં સૌ જાગૃત મતદારો પોતાનું યોગદાન અર્પીને તેને જાળવી રાખવાનું પુણ્ય કાર્ય તો કરે જ છે, પણ સાથે સાથે અન્ય મતદારોને તેનો મૂક સંદેશ પણ આપીને, અન્યો માટે પ્રેરણાસ્ત્રોત બનતા હોય છે.
રાજ્યમાં તા.૨૬મી એપ્રિલ સ્થાનિક સ્વરાજ્યની યોજાયેલી ચૂંટણીમાં પણ, ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર એવા વઘઈ ખાતે એક જન્મજાત દિવ્યાંગ મતદારે મતદાન કરીને, અન્યોને પ્રેરણા પૂરી પાડી હતી.
વઘઈ સ્થિત આશાનગરના ૨૫ વર્ષિય યુવા દિવ્યાંગ મતદાર શ્રી અમાનભાઈ ઈમ્તિયાઝભાઈ ધાનાણીએ તેમના પરિવારજનોની મદદથી સરકારી ખેતીવાડી માધ્યમિક શાળા (પશ્ચિમ) વઘઇ, મતદાન મથક નંબર : ૨૦૫-યુ-૨ ખાતે પહોંચી તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમનું આ ત્રીજી વેળાનું મતદાન છે.
આ મતદાન વેળા તેમના પરિવારજનો સહિત ફરજ પરના પોલીસ જવાનો સર્વશ્રી ભગીરથસિંહ જાડેજા, ASI અને PC રમેશભાઈ પ્રજાપતિ પણ આ પવિત્ર કાર્યમાં ઉત્સાહી મતદારને મદદરૂપ થયા હતા.