
પોરબંદર ગોસાબારા નજીકથી 30.67 લાખનું ચરસ જપ્ત
પોરબંદરનો દરિયો ફરી ચર્ચામાં આવ્યો છે.આ વખતે માછીમારી માટે નહીં, પણ ડ્રગ્સ માટે. પોરબંદરના નવી બંદર પોલીસે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન એક મોટી કાર્યવાહી કરીને આંતરાષ્ટ્રીય ડ્રગ માફિયાના સપનાને પાણીમાં બેસાડી દીધા.
ગોસાબારા ગામ નજીકનો દરિયાકિનારો ડ્રગ્સના લેન્ડિંગ પોઈન્ટ તરીકે પહેલાથી જ પોલીસની રડાર પર છે. આજે સવારે રૂટીન પેટ્રોલિંગ દરમિયાન પોલીસની નજર એક શંકાસ્પદ બિનવારસી બાયલા પર પડી.
બાયલું દરિયાકિનારે એકલું પડ્યું હતું. આસપાસ કોઈ માણસ નહીં. મોજા સાથે અંદર આવ્યું હોય એવું લાગતું હતું.
શંકાના આધારે બાયલાની તપાસ કરી. અંદર પ્લાસ્ટિકના કવરમાં વ્યવસ્થિત રીતે 10 પેકેટ બાંધેલા હતા. દરેક પેકેટ પર અરબી લખાણ હતું. પ્રાથમિક તપાસમાં તે ચરસ હોવાની શંકા ગઈ હતી.
તાત્કાલિક FSL ટીમ અને ડોગ સ્ક્વોડને બોલાવવામાં આવી. તપાસમાં ખુલાસો થયો કે 10 પેકેટમાં કુલ 12 કિલો 270 ગ્રામ ચરસ છુપાવેલું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ચરસની અંદાજિત કિંમત 30 લાખ 67 હજાર રૂપિયા થાય છે.
પોરબંદર પોલીસ માટે આ મોટી સફળતા છે. કારણ કે ગોસાબારા, મિયાણી, ચાંચ જેવા વિસ્તારો છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરી માટે વપરાઈ રહ્યા છે. પાકિસ્તાન અને ઈરાનથી બોટ દ્વારા દરિયામાં બાયલા તરતા મૂકી દેવામાં આવે છે. અને પછી અહીંથી સ્થાનિક એજન્ટ તે ઉઠાવી લે છે.પણ આ વખતે પોલીસની સતર્કતાના કારણે રમત બગડી.
નવી બંદર પોલીસે ઉત્તમ કામગીરી કરી છે. 12.270 કિલો ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેની કિંમત 30.67 લાખ અંદાજવામાં આવી છે. અમે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ બિનવારસી મુદ્દામાલ છે, પણ કોણે આ બાયલું મૂક્યું, કોને ડિલિવરી આપવાની હતી, તે દિશામાં તપાસ ચાલુ છે.સાયબર સેલ અને ATS પણ મદદમાં છે.
પોલીસના સૂત્રો કહે છે કે દરિયાઈ રસ્તે ડ્રગ્સ લાવવાનો આ નવો મોડસ ઓપરેન્ડી છે. બોટ સીધી કિનારે નથી આવતી. દરિયામાં 5-6 કિમી દૂર બાયલા તરતા મૂકી દેવાય છે. GPS લોકેશન વોટ્સએપથી શેર થાય છે. રાત્રે સ્થાનિક બોટવાળા તે ઉઠાવી જાય છે.
જોકે ગામ લોકોને પોલીસે સતર્ક કર્યા છે અને અમને કહેવામાં આવે છે કે જો આવું કંઈ દેખાય તો તરત 100 નંબર પર ફોન કરો. પૈસાના લાલચમાં કોઈનું જીવન બરબાદ ન કરો. આ ચરસ યુવાનોને ખાઈ જશે.
પોલીસે આસપાસના 10 ગામમાં સર્ચ ઓપરેશન તેજ કર્યું છે. દરિયામાં પેટ્રોલિંગ માટે કોસ્ટ ગાર્ડની પણ મદ લેવાઈ છે. CCTV ફૂટેજ, મોબાઈલ ટાવર લોકેશન અને પૂર્વના ગુનેગારોની હિસ્ટ્રી ખંગાળવામાં આવી રહી છે.
જપ્ત કરાયેલો 12 કિલો 270 ગ્રામનો મુદ્દામાલ હવે કોર્ટના આદેશથી નાશ કરવામાં આવશે. પણ સવાલ એ જ છે આ ખેપ કોના માટે હતી? પોરબંદર, જૂનાગઢ કે અમદાવાદ?
પોરબંદર પોલીસની આ કાર્યવાહીથી એક વાત સ્પષ્ટ થાય છે કે દરિયાઈ સુરક્ષામાં હવે કોઈ છાંછળ નથી. 30.67 લાખનું ચરસ પકડાયું, પણ હજારો યુવાનોનું ભવિષ્ય બચી ગયું.
પોરબંદર પોલીસની નાગરિકોને અપીલ છેકે શંકાસ્પદ કંઈ દેખાય તો તરત જાણ કરો. કારણ કે ડ્રગ્સ મુક્ત ગુજરાત એ જ વિકસિત ગુજરાત.
રિપોર્ટ :- મીત અનડકટ