

*ડાંગ જિલ્લા (પંચાયત) માર્ગ અને મકાન વિભાગની ત્વરિત કામગીરી, બંધ ગ્રામ્ય માર્ગો પૂર્વવત કરાયા*
*રીપોર્ટર ; ઝાકિર ઝંકાર : આહવા ડાંગ,*
તા. 9: ડાંગ જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક માર્ગો, કોઝવે અને કલ્વર્ટને નુકસાન પહોંચ્યું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), આહવાએ યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરી મોટાભાગના બંધ માર્ગો ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લા કર્યા છે.
વિભાગ દ્વારા 10 જેસીબી, 8 ટ્રેક્ટર-ટ્રોલી, ડમ્પર સહિતની મશીનરી અને 55થી વધુ કર્મચારીઓની મદદથી કાદવ, પથ્થરો અને ધસી આવેલા મલબાને દૂર કરી માર્ગોનું પેચવર્ક, શોલ્ડર મરામત અને લેવલિંગની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવામાં આવી રહી છે.
ગલકુંડ-કાંચનધાટ માર્ગ પર ધસી આવેલા મલબાને દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો. ઉપરાંત સુબીર તાલુકાના મોખામાળ, કરંજડા, કાકડવિહિર-ખેરીન્દ્રા-ચમારપાડા માર્ગો તેમજ આહવા તાલુકાના ધુળચોંડ ગામે પણ જરૂરી મરામત કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને સ્ટાફ સતત મેદાનમાં રહી માર્ગોને સુરક્ષિત અને સુચારુ બનાવવા કામગીરી કરી રહ્યા છે, જેથી ગ્રામ્ય જનજીવન ફરી સામાન્ય બની શકે.