

નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાની બોરીદ્રા શાળામાં આનંદદાયી શનિવાર અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ
રાજપીપળા: નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાની બોરીદ્રા પ્રાથમિક શાળામાં રાજ્ય સરકારના ‘આનંદદાયી શનિવાર’ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક, સર્જનાત્મક અને રમતગમત આધારિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં શીખવાની સાથે આનંદ, સર્જનાત્મકતા, ટીમભાવના અને આત્મવિશ્વાસનો વિકાસ થાય તેવો મુખ્ય હેતુ રહેલો છે.
કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષક પરિવારે વિદ્યાર્થીઓને વ્યાયામ કરાવ્યો હતો. ઉપરાંત પાણી, પ્રકૃતિ અને ઈંટોની ઇમારત જેવા વિષયો પર પ્રોજેક્ટ વર્ક કરાવી બાળકોમાં પ્રાયોગિક જ્ઞાન, અવલોકન શક્તિ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિવિધ મનોરંજક અને શૈક્ષણિક રમતોમાં પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન બોરીદ્રા શાળાના શિક્ષક પરિવારે કર્યું હતું. વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમનો આનંદ માણ્યો હતો અને આવા કાર્યક્રમો તેમના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા હોવાનું શિક્ષકોએ જણાવ્યું હતું.