

*સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર, માલેગામના 60 વિદ્યાર્થીઓને લેપટોપ અને ટેબ્લેટ વિતરણ*
*રાજ્યના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ અને નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના હસ્તે વિતરણ*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર, આહવા ડાંગ*
આહવા, તા. 22 : ડાંગ જિલ્લાના માલેગામ સ્થિત પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા ધોળકીયા વિદ્યામંદિરમાં વિજ્ઞાન પ્રવાહના ધોરણ 11 અને 12ના કુલ 60 વિદ્યાર્થીઓને લેપટોપ અને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજ્યના આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના હસ્તે વિદ્યાર્થીઓને આ આધુનિક શૈક્ષણિક સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત શિક્ષણ જ વિકાસનો આધાર છે અને સરકાર વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે વિવિધ યોજનાઓ દ્વારા સહાય પૂરી પાડી રહી છે. તેમણે લેપટોપ અને ટેબ્લેટ વિદ્યાર્થીઓને જ્ઞાન અને ટેક્નોલોજી સાથે જોડવામાં ઉપયોગી બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, બારીપાડાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. અંતે મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.