

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
શહેરા, તા. ૯ ઓગસ્ટ, ૨૦૨૬:
સરકારી વિનયન કોલેજ, શહેરાના આચાર્યશ્રી ડો. જયશ્રી જોષીના માર્ગદર્શનમાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા ૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આદિવાસી સમુદાયોના અધિકારો, સાંસ્કૃતિક વારસા તથા સામાજિક અને આર્થિક વિકાસ અંગે જાગૃતિ કેળવવાનો હતો. કાર્યક્રમનું સંચાલન સમાજશાસ્ત્ર વિભાગના ડો. વખતસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે કોલેજના ગુજરાતી વિભાગના પ્રા. જયેશકુમાર વરિઆ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય વક્તાએ વિશ્વ આદિવાસી દિવસના ઐતિહાસિક અને સામાજિક મહત્વ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. તેમણે આદિવાસી સમુદાયોના અધિકારોનું રક્ષણ, તેમની વિશિષ્ટ સંસ્કૃતિ, પરંપરા અને લોકવારસાનું જતન તેમજ તેમના સામાજિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે આદિવાસી સમાજની પરંપરાઓ, લોકકલા, લોકસાહિત્ય, ભાષા અને જીવનશૈલી ભારતીય સાંસ્કૃતિક વારસાનો અભિન્ન હિસ્સો છે. આધુનિકીકરણ અને વૈશ્વિકીકરણના સમયમાં આ સાંસ્કૃતિક વારસાનું જતન કરવું અને નવી પેઢી સુધી પહોંચાડવું સૌની સામૂહિક જવાબદારી છે. આદિવાસી સમુદાયોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, રોજગાર, આરોગ્ય, કૌશલ્ય વિકાસ તથા સામાજિક ન્યાય જેવા ક્ષેત્રોમાં સતત પ્રયત્નોની આવશ્યકતા પણ તેમણે દર્શાવી હતી.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં આદિવાસી સમાજ પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા કેળવાય તે માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આદિવાસી સમાજને લગતા વિવિધ પ્રશ્નો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
કાર્યક્રમના અંતે સામાજિક સમાનતા, સાંસ્કૃતિક સંરક્ષણ, માનવ અધિકારો અને સમાવેશી વિકાસ જેવા મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને વિચારપ્રેરક બની રહ્યો હતો. અંતે આભાર વિધિ પ્રા. ભાર્ગવકુમાર વણકરે કરી હતી.
બ્યુરો ચીફ સપના રાઠોડ પંચમહાલ